આંકલાવની સરકારી હોસ્પિટલ અને નગરપાલિકાના વિસ્તારમાં કલેક્ટરે અચાનક મુલાકાત લેતા સ્થાનિક વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કલેક્ટર જ્યારે સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફની અનિયમિતતા અને સમયસર ગેરહાજરી જોઈને તેઓ અત્યંત નારાજ થયા હતા. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ સ્ટાફની આવી બેદરકારી બદલ કલેક્ટરે કડક વલણ અપનાવ્યું હતું.
આ ઉપરાંત, હોસ્પિટલની બહાર જ ગંદકીના ગંજ અને શૌચાલયની અસ્વચ્છતા જોઈને તેઓએ નગરપાલિકાના તંત્ર સામે લાલ આંખ કરી હતી અને કર્મચારીઓને સફાઈ બાબતે આકરી ટકોર કરી હતી.
વહીવટી તંત્રની શિથિલતા ત્યારે વધુ સ્પષ્ટ થઈ જ્યારે કલેક્ટરે મામલતદાર અને ચીફ ઓફિસરને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હોવા છતાં તેઓ હાજર થઈ શક્યા ન હતા.
આ ઉચ્ચ અધિકારીઓના બદલે તેમની કચેરીનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો, જેને લઈને કલેક્ટરે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા બાબતે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારીને પગલે કલેક્ટરે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવા અને વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો લાવવા કડક સૂચનાઓ આપી છે.