આંકલાવમાં એક વર્ષથી પૂરતા ફોર્સથી પાણી નહીં મળતાં મહિલાઓએ પાલિકામાં જઇ માટલા ફોડ્યા
આંકલાવ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં છેલ્લાએક વર્ષથી પુરાતા ફોર્સથી પાણી આપવામાં આવતું ન હોવથી પીવાના પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીની અછતનો સામનો કરી રહેલી મહિલાઓ શુક્રવારે રણચંડી બનીને નગરપાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ હલ્લાબોલ કરીને માટલા પાલિકા પરિસરમાં ફોડી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવના પાંજરાપોળ વિસ્તારમાંછેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે, છતાં નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ સંતોષકારક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. મહિલાઓના જણાવ્યા મુજબ, તેમની વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમની પાસે વિરોધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
આ ઉગ્ર વિરોધ દ્વારા મહિલાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાણી જેવી પાયાની સુવિધા માટેની તેમની હાલાકી હવે સહન કરી શકાય તેમ નથી. જેથી મહિલાઓ તાત્કાલિક નવો બોર બનાવાની માંગ કરી હતી.મહિલાઓએ સત્તાધીશોને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો સકારાત્મક અને તાત્કાલિક સ્વીકાર કરીને પાણીનો યોગ્ય વ્યવસ્થાપન નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આંકલાવના પાંજરાપોળ વિસ્તારમાં નવો બોર બનાવવામાં આવે તો સમસ્યા હલ થાય
આંકલાવ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં છેવાડા વિસ્તારમાં આવેલી પીવાના પાણીની ટાંકીમાં પાણી આપવામાં આવે છે. જે આખા નગર ઘેર ઘેર પહોંચ્યા બાદ છેલ્લે પાંજરા પોલ વિસ્તારમાં આવતું હોવાથી પુરાત ફોર્સથી પાણી મળતું ન હોવાથી કલાકે માંડ બે ત્રણ ડોલ પાણી ભરાય છે. જેના કારણે પીવાનું પાણી મેળવવા માટે અન્ય વિસ્તારોમાં જવાનો વખત આવે છે.ત્યારે આ વિસ્તારમાં પાંજરાપોળ નવો બોર બનાવીને પાણી આપવામાં આવે તોજ કાયમી ધોરણે સમસ્યા હાલ થાય તેમ છે.