રસ્તો માત્ર ડામર-સિમેન્ટનો નથી હોતો… રસ્તો ગામના અલગ-અલગ વિસ્તારોને જોડે છે, લોકોની અવરજવર સરળ બનાવે છે અને વિકાસને આગળ ધપાવે છે.
આંકલાવ તાલુકાના આસોદર ગામમાં હવે આવો જ એક નવો સી.સી. રોડ આકાર લેવા જઈ રહ્યો છે.
ગામના શાક માર્કેટથી રોહિતવાસ, વાલ્મીકીવાસ, ઈચ્છાભગત વિસ્તાર સહિતના વિસ્તારોને જોડતા રોડ માટે 1.50 કરોડ રૂપિયાના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ વિકાસકામનું ખાતમુહૂર્ત આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
રોડ બન્યા બાદ આસોદરના વિવિધ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં રાહત મળવાની આશા છે.
ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પઢીયાર, આંકલાવ APMCના ચેરમેન તથા આણંદ જિલ્લા પંચાયત સદસ્ય મનુભાઈ મેલાભાઈ પઢીયાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ જાદવ સહિત સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હવે આસોદરના લોકોની નજર રોડનું કામ કેટલા સમયમાં પૂર્ણ થાય છે અને બન્યા બાદ તેની ગુણવત્તા કેવી રહે છે તેના પર રહેશે.
કારણ કે ખાતમુહૂર્તથી વિકાસની શરૂઆત થાય છે… પરંતુ રસ્તો લોકો માટે ઉપયોગી બને ત્યારે જ વિકાસની સાચી અસર જોવા મળે છે.