Advertisement

આંકલાવ પોલીસનો છાપો: ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા ઈસમો ઝડપાયા

આંકલાવ પોલીસનો છાપો: ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા ઈસમો ઝડપાયા

આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ માણતા 18 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દારૂના ટીન, ગાડીઓ અને મોબાઇલ સહિત કુલ અંદાજે રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 


મળતી માહિતી અનુસાર, આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે ઉમેટા-ફતેહપુરા-માનપુરા રોડ નજીક આવેલા એક ફાર્મહાઉસમાં કેટલાક પુરુષો અને મહિલાઓ ભેગા થઈ દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ત્યાં 15 પુરુષો અને 3 મહિલાઓ મળી કુલ 18 લોકો દારૂની પાર્ટી માણતા ઝડપાયા હતા. 


પોલીસે સ્થળ પરથી 17 બીયર ટીન, 21 ખાલી બીયર ટીન, 22 મોબાઇલ ફોન, 8 ફોરવ્હીલ ગાડીઓ તેમજ મહેફિલ માટે વપરાતા વિવિધ સામાન જપ્ત કર્યા હતા. સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂ.1,04,78,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


પોલીસ તપાસ દરમિયાન ફાર્મહાઉસના માલિક સહિત બે આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


આ સમગ્ર કામગીરી આંકલાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Advertisement