Advertisement

આંકલાવ પોલીસે ૪૮ કલાકમાં નવજાત શિશુના વાલીવારસને શોધી કાઢ્યા

આંકલાવ પોલીસે ૪૮ કલાકમાં નવજાત શિશુના વાલીવારસને શોધી કાઢ્યા

આણંદ જિલ્લાના આંકલાવ વિસ્તારમાં મહીસાગર નદીના ગણેશ વિસર્જન ઘાટ પાસેથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે આંકલાવ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.


પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના લોકોની પૂછપરછ કરી તેમજ અનેક સી.સી.ટી.વી. કેમેરાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સી.એન.જી. રિક્ષા અંગે માહિતી મળતા પોલીસે તેના આધારે વધુ તપાસ આગળ વધારી હતી. આશરે ૧૦૦ જેટલા સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસ્યા બાદ રિક્ષાના નંબરના આધારે વડોદરા સુધી પહોંચવામાં સફળતા મળી હતી.


તપાસમાં સામે આવ્યું કે વડોદરાના કોટેશ્વર વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરે બાળકનો જન્મ થયો હતો. જન્મ બાદ બાળક ગંભીર રીતે બીમાર હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાદમાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. પરિવારજનોએ તેમના સામાજિક રિવાજ મુજબ બાળકને મહી નદીમાં વિસર્જિત કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.


આ સમગ્ર મામલામાં આંકલાવ પોલીસે ઝડપી કામગીરી કરી માત્ર ૪૮ કલાકમાં નવજાત શિશુના વાલીવારસ સુધી પહોંચી તપાસ પૂર્ણ કરી હતી.

Advertisement