આંકલાવ પોલીસ સ્ટેશનમાં જ ACBનો સપાટો: ₹40 હજારની લાંચ લેતા PI રંગેહાથ ઝડપાયા

આંકલાવ પોલીસ સ્ટેશનમાં જ ACBનો સપાટો: ₹40 હજારની લાંચ લેતા PI રંગેહાથ ઝડપાયા

ખડોલની કેમિકલ ફેક્ટરીના સંચાલકને હેરાન ન કરવા માટે લાંચની માંગણીનો આક્ષેપ; આણંદ ACBએ ગોઠવેલા છટકામાં PI રાજદિપસિંહ વનાર ઝડપાયા

આણંદ: આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. ખડોલ સ્થિત કેમિકલ ફેક્ટરીના સંચાલકને હેરાનગતિ ન કરવા બદલ ₹40 હજારની લાંચ માંગવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે આણંદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ગુરુવારે સાંજે કાર્યવાહી કરી હતી. ACBના છટકામાં આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદિપસિંહ વનાર ₹40 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.

ફેક્ટરીને લઈને ગ્રામજનોમાં હતો રોષ

મળતી માહિતી મુજબ, ગત જૂન મહિનામાં રાજદિપસિંહ વનારને આંકલાવ પોલીસ સ્ટેશનના PI તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તે સમયે ખડોલ (હ) ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીની ઓઈલ ટેન્કમાં લીકેજની ઘટના અને તેના કારણે ઊભી થયેલી સમસ્યાઓને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગ્રામજનો દ્વારા ફેક્ટરી બંધ કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. કેમિકલયુક્ત ધુમાડા અને પ્રદૂષિત પાણીને કારણે આસપાસના ખેતી પાકોને નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. આ મામલે કરણી સેનાના અધિકારીઓએ પણ હસ્તક્ષેપ કર્યો હતો.

હેરાનગતિ નહીં કરવા ₹40 હજારની માંગણીનો આક્ષેપ

ફેક્ટરીને લઈને વારંવાર ફરિયાદો ઊઠતી હોવાના સંદર્ભમાં પોલીસ દ્વારા કનડગત ન કરવામાં આવે તે માટે PI રાજદિપસિંહ વનારે ફેક્ટરીના સંચાલક પાસેથી ₹40 હજારની લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેમણે આણંદ ACBનો સંપર્ક કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં જ ગોઠવાયું છટકું

ફરિયાદના આધારે આણંદ ACBએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ ફરિયાદી ₹40 હજારની રોકડ રકમ લઈને PIની કેબિનમાં પહોંચ્યા હતા અને રકમ આપી હતી. PI વનારે લાંચની રકમ સ્વીકારતાં જ ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે પોલીસકર્મી સામે બીજી ACB કાર્યવાહી

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન પોલીસકર્મીઓ લાંચ લેતા ઝડપાયા હોવાનો આ બીજો બનાવ હોવાનું સામે આવ્યું છે.

આ અગાઉ જૂન 2026માં આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ACBએ કાર્યવાહી કરી હતી. તે સમયે મહિલા ASI ગીતાબેન દોથા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન ગરાસિયા ₹1.10 લાખની લાંચ લેતા રેલવે સ્ટેશન નજીકથી ઝડપાયાં હતાં. એક અરજીની તપાસમાં હેરાન ન કરવા અને પાસપોર્ટ જમા ન લેવા માટે લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ હતો.

આમ, આણંદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિભાગના કર્મચારી સામે લાંચ લેવાના આક્ષેપમાં ACBની કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.