આંકલાવ આંબાવાડીમાં ગટર ઉભરાઈ, આંગણવાડી બાળકો જોખમમાં
આંકલાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર પાસે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આંગણવાડીની બંને બાજુએ ગંદકી ફેલાઈ છે, જેના કારણે આશરે ૩૦ જેટલા નાના બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે.
ગટરના દૂષિત પાણી આંગણવાડીના પ્રવેશદ્વાર અને રસ્તાઓ પર ભરાયેલા રહે છે. બાળકોને ગંદકીમાંથી પસાર થઈને આવવું પડે છે. વાલીઓને ભય છે કે ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી બાળકો બીમાર પડી શકે છે. સ્થાનિક વાલી અનિશાબેન રાજના જણાવ્યા અનુસાર, ગંદા પાણી અને દુર્ગંધને કારણે બાળકોને અંદર બેસવામાં પણ મુશ્કેલી પડે છે.
આ અંગે નગરપાલિકાના એન્જિનિયર મયુરભાઈ પટેલે જણાવ્યું કે, ફરિયાદ મળ્યા બાદ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. વાલીઓ તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે.