રાજ્યની સાબરમતી, વિશ્વામિત્રી, મહી અને ભાદર જેવી નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે વર્ષ 2019થી સરકાર દ્વારા ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવાના બદલે સીધા સમુદ્રમાં ઠાલવવાનું આયોજન હતું. પરંતુ છેલ્લા 6-7 વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹738 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પાઈપલાઈન નેટવર્કનું કામ હજુ અધૂરું છે, જેના કારણે પ્રોજેક્ટની અસરકારકતા પર સવાલો ઊભા થયા છે.
અમદાવાદ, અંકલેશ્વર, સાયખા અને જેતપુર જેવા ઉદ્યોગ વિસ્તારોમાંથી સમુદ્રમાં કેમિકલ પાણી છોડવાના આ પ્રોજેક્ટ માટે મોટી રકમ ફાળવાઈ હોવા છતાં હજુ સુધી કામમાં નોંધપાત્ર પ્રગતિ થઈ નથી અને પર્યાવરણ પર તેની અસર અંગે પૂરતો અભ્યાસ પણ થયો નથી. આ સ્થિતિને કારણે નદીઓમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને પ્રોજેક્ટના વિલંબને લઈને સરકાર અને તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.