62 વર્ષથી એક જ સેવા... એક જ સંકલ્પ... અને એક જ ભાવ—‘મા અંબાના ભક્તોની સેવા!’
અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે.
પણ આ ભક્તિભર્યા મેળામાં એક એવી સેવાકથા પણ સામે આવી છે, જે સાંભળીને તમે પણ કહેશો—આસ્થા માત્ર મંદિરમાં નથી, સેવામાં પણ છે!
ચાચર ચોક ખાતે આણંદ જિલ્લાના વાસદના પટેલ નગીનભાઈ હાથીભાઈ છેલ્લા 62 વર્ષથી માઈભક્તો માટે નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા કરી રહ્યા છે.
દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે ત્રણ પેઢી બાદ પણ અવિરતપણે ચાલી રહી છે.
મેળાના આઠમના દિવસે નગીનભાઈ સેવાકીય સામાન સાથે અંબાજી પહોંચે છે અને નોમથી પૂનમના બપોર સુધી ભક્તોની સેવા કરે છે.
આ સેવાકાર્યમાં 50થી વધુ સેવકો જોડાય છે અને ચાચર ચોક ખાતે ચાર કાઉન્ટર પરથી ઠંડું લીંબુ શરબત નિઃશુલ્ક પીરસવામાં આવે છે.
લાંબી પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા ભક્તો માટે ગરમી અને થાક વચ્ચે મળતું આ ઠંડું શરબત જાણે થાકેલી યાત્રામાં તાજગીનો ઘૂંટ બની જાય છે.
આ સેવાકેમ્પની જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ મુલાકાત લીધી હતી.
કલેક્ટરે માઈભક્તોને સ્વયં લીંબુ શરબત પીરસીને સેવાકાર્યમાં સહભાગી થયા હતા અને નગીનભાઈ સહિત સમગ્ર સેવક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
નગીનભાઈ પટેલનું કહેવું છે—
“દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે પણ ચાલી રહી છે. જીવતો રહીશ ત્યાં સુધી મા અંબાના ભક્તોની સેવા કરતો રહીશ.”
વર્ષો બદલાયા... પેઢીઓ બદલાઈ... પરંતુ 62 વર્ષથી સેવાનો આ સંકલ્પ બદલાયો નથી.
અંબાજીના મેળામાં જ્યાં લાખો લોકો દર્શન માટે આવે છે, ત્યાં નગીનભાઈ પટેલની આ સેવા શ્રદ્ધા સાથે માનવતાની પણ એક અનોખી ગાથા લખી રહી છે.