પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર અને વિનાશક વળાંક પર પહોંચ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જોડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
3700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ થયો ખંડેર
આ હુમલામાં ‘B1 બ્રિજ’ને ભારે નુકસાન પહોંચ્યું છે. આ પુલ લગભગ તૈયાર થઈ ગયો હતો અને તેની ગણના મધ્ય પૂર્વના સૌથી મોટા પુલોમાં થતી હતી. લગભગ 400 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે 3700 કરોડ રૂપિયા) ના ખર્ચે બનેલો આ બ્રિજ આશરે 1050 મીટર લાંબો હતો. ઈરાનના સરકારી મીડિયા તેમજ પ્રેસ ટીવીએ પણ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બ્રિજને નુકસાન થવાને કારણે વિસ્તારમાં ગંભીર વીજ સંકટ ઊભું થયું છે.
હુમલા બાદ ટ્રમ્પની કડક ચેતવણી
હુમલા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાનો વીડિયો શેર કરીને ઈરાન પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, “હજુ પણ સમય છે, સમજૂતી કરી લો, નહીં તો બહુ મોડું થઈ જશે. જો ઈરાન પોતાનું વલણ નહીં બદલે તો તેની પાસે કંઈ જ બાકી નહીં રહે, જ્યારે તે હજુ પણ એક મહાન દેશ બની શકે છે.”
ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે જો ઈરાન નમતું નહીં જોખે તો આગામી દિવસોમાં હુમલાઓ વધુ તેજ બની શકે છે.
મિડલ ઈસ્ટમાં વધતી આગ અને ઈરાનની ભૂમિકા
ઓક્ટોબર 2023માં શરૂ થયેલું ઈઝરાયલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગયું છે. ઈરાન પર હમાસ, હિઝબુલ્લાહ અને હુથી વિદ્રોહીઓને સમર્થન આપવાનો આરોપ છે, જેના કારણે તે સતત અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધા મિસાઈલ તથા ડ્રોન હુમલાઓ પણ થયા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.