Advertisement

33 કરોડના ખર્ચે બનેલા ડાકોર-નડિયાદ માર્ગના ફૂટપાથ પર ગાબડા પડવાનું શરૂ

33 કરોડના ખર્ચે બનેલા ડાકોર-નડિયાદ માર્ગના ફૂટપાથ પર ગાબડા પડવાનું શરૂ

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નડિયાદ-ડાકોર માર્ગ પર ઉમરેઠ નજીક ગણતરીના સમયમાં જ ભંગાણ પડવાના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ માર્ગનું નિર્માણ રૂ 33 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેના પ્રગતિપથ પર આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના ગટર બૉક્સમાં ઠેર ઠેર મોટા ગાબડાં પડવાનું શરૂ થતાં લોકોમાં કચવાટ ફેલાયો છે. ઉમરેઠથી ડાકોર તરફના આ માર્ગની આસપાસ મહત્વના સ્થળો આવેલા હોવાથી જોખમની શક્યતા અનેકગણી વધી ગઈ છે. માર્ગ પર સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

ગટર બોક્સ તૂટી જતાં વિદ્યાર્થીઓને પ્રગતિપથ છોડીને મજબૂરીમાં રોડની વચ્ચે ચાલવું પડે છે, જેના પર સતત ભારે વાહનોની અવરજવર રહે છે.આ માર્ગ ડાકોર જતો હોવાથી અવારનવાર ભક્તોના પગપાળા સંઘો અહીંથી પસાર થાય છે. તૂટેલા ગટર બૉક્સ અને ખરાબ ફૂટપાથ તેમના માટે ગંભીર ઈજાનું કારણ બની શકે છે.તેમજ એમજીવીસીએલની ઓફિસ અને હોસ્પિટલ પણ આવેલી હોવાથી અહીં રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર સતત રહે છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.વહીવટી તંત્ર દ્વારા ગટર બોક્સના રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Advertisement