20 રૂપિયાની કથિત લાંચના 30 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કર્મચારી અને પટાવાળાને મોટી રાહત આપી છે.
વર્ષ 1996માં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં એક વિદ્યાર્થીએ આવકનો દાખલો કઢાવવા માટે સંપર્ક કર્યો હતો. ફરિયાદ મુજબ, રેવન્યુ અધિકારીએ પ્રમાણપત્ર આપવા માટે 120 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં 100 રૂપિયા પોતાના માટે અને 20 રૂપિયા પટાવાળા માટે હોવાનો આરોપ હતો.
વિદ્યાર્થીએ ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું હતું. જોકે, કેસની સુનાવણી દરમિયાન લાંચની માંગણી સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો.
સુપ્રીમ કોર્ટે તપાસ અને ફરિયાદીના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ નોંધી. ખાસ કરીને ફરિયાદીએ ઊલટતપાસ દરમિયાન સ્વીકાર્યું કે પટાવાળાએ તેની પાસે કોઈ રકમ માંગી જ નહોતી. ઉપરાંત, 20 રૂપિયા ત્યારે આપવામાં આવ્યા હતા જ્યારે આવકનું પ્રમાણપત્ર પહેલેથી જ તૈયાર થઈ ચૂક્યું હતું.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની પીઠે કહ્યું કે માત્ર 20 રૂપિયાની રકમ મળી આવવાથી લાંચનો ગુનો સાબિત થતો નથી.
આ સાથે કોર્ટે બંનેની દોષસિદ્ધિ રદ કરી તેમને નિર્દોષ જાહેર કર્યા છે.