ખેડા જિલ્લામાં જુગાર વિરુદ્ધ પોલીસનો કડક એક્શન જોવા મળ્યો છે. એસએમસીની રેડ બાદ સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. વાસણા બુઝર્ગ, નડિયાદના મરીડા ભાગોળ અને મહુધામાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરીને કુલ 16 શખ્સોને ઝડપવામાં આવ્યા છે, જ્યારે 3 શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાનું સાહિત્ય અને કુલ રૂ. 54,830 જેટલી રોકડ રકમ જપ્ત કરી છે.
વાસણા બુઝર્ગ વિસ્તારમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા પત્તા પાનાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે કોર્ડન કરીને 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કેટલાક લોકો નાસી છૂટ્યા હતા. આ સિવાય નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં પણ જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડતા 5 લોકોને રોકડ અને સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.
મહુધા વિસ્તારમાં જુમ્મા મસ્જિદ પાછળ ચાલતા જુગાર પર પણ પોલીસએ કડક કાર્યવાહી કરી હતી. અહીંથી 7 શખ્સોને રોકડ અને જુગારના સાધનો સાથે ઝડપવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં એક સાથે થયેલી આ કાર્યવાહીથી જુગારિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસે આગળ પણ આવી કામગીરી ચાલુ રાખવાની સૂચના આપી છે.