નવી દિલ્હી: ભારતના લોકશાહી તંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખીને નારી શક્તિ વંદન અધિનિયમમાં જરૂરી સુધારા માટે સમર્થન આપવા અને તેને વહેલી તકે અમલમાં લાવવા માટે એક થવા અપીલ કરી છે.
વડાપ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું છે કે, 16 એપ્રિલથી સંસદમાં આ ઐતિહાસિક અધિનિયમ પર ચર્ચા શરૂ થશે. તેમણે આ ચર્ચાને લોકશાહીને વધુ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ તક ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નારી શક્તિનું નેતૃત્વ અને સહભાગિતા અનિવાર્ય છે. અવકાશથી લઈને રમતગમત સુધી દીકરીઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે અને હવે રાજનીતિમાં પણ તેમને યોગ્ય સ્થાન મળવું જોઈએ.
સરકારના નિર્ણય મુજબ 2029ની લોકસભા ચૂંટણી તેમજ તમામ વિધાનસભા ચૂંટણીથી મહિલા અનામતનો અમલ સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે. બંધારણીય નિષ્ણાતો અને વિવિધ રાજકીય પક્ષો સાથેના પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પત્રમાં ઉલ્લેખ છે. સરકારનું માનવું છે કે 2029થી મહિલા અનામત અમલમાં આવવાથી લોકશાહી સંસ્થાઓમાં નવી ઊર્જાનો સંચાર થશે અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
વડાપ્રધાને તમામ રાજકીય પક્ષોને પક્ષવાદથી ઉપર ઉઠીને આ મહત્વપૂર્ણ મુદ્દે સમર્થન આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દો કોઈ એક પક્ષ કે વ્યક્તિનો નહીં પરંતુ દેશની 140 કરોડ જનતા અને આવનારી પેઢીઓ માટેની જવાબદારી છે. વર્ષ 2023માં જ્યારે આ અધિનિયમ સંસદમાં પસાર થયો ત્યારે સમગ્ર વિશ્વે ભારતની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈ હતી, હવે તેને વાસ્તવિકતા બનાવવા સમય આવી ગયો છે.
પીએમ મોદીએ પોતાના પત્રમાં કહ્યું કે જે સાંસદો આ ઐતિહાસિક કાર્યમાં યોગદાન આપશે તેઓ હંમેશા ગર્વ અનુભવશે. તેમણે તમામ દળોને એકસૂર થઈને સુધારો પસાર કરવા અને વધુમાં વધુ સાંસદોને ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. વડાપ્રધાનનો આ પત્ર સ્પષ્ટ સંકેત આપે છે કે 2029ની ચૂંટણીઓ પહેલાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધશે.