₹2 કરોડથી વધુના ખર્ચે બનેલો રોડ... અને બે મહિના પણ ન થયા ત્યાં જ ખોદકામ!
આણંદ મનપાની કામગીરીને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે.
કરમસદના રામજી મંદિરથી વિદ્યાનગરના ઇસ્કોન મંદિર સુધી બનાવવામાં આવેલા વ્હાઇટ ટોપિંગ RCC રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. આ માર્ગને 15થી 20 વર્ષ સુધી ટકી રહે તેવા મજબૂત રોડ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો.
પરંતુ સંતરામ સોસાયટી નજીક ગટર લાઇનના સમારકામ માટે નવા બનેલા RCC રોડને જ અનેક જગ્યાએ ખોદી નાખવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ દર 100 મીટરે ખોદકામ જોવા મળી રહ્યું છે.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે રોડ બનાવતા પહેલાં ભૂગર્ભ ગટર લાઇનનું કામ કેમ પૂર્ણ કરવામાં ન આવ્યું?
રોડ તૈયાર થયા બાદ કરાયેલા આ ખોદકામથી RCCના સળંગ સ્લેબને નુકસાન પહોંચવાની અને આસપાસ તિરાડો પડવાની શક્યતા અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.
વ્હાઇટ ટોપિંગ રોડની ખાસિયત તેનું લાંબું આયુષ્ય અને મજબૂતાઈ છે. પરંતુ રોડમાં વારંવાર કટિંગ અને ખોદકામ થાય તો તેની મૂળ મજબૂતી પર અસર પડી શકે છે.
હાલ ખોદાયેલા ભાગોમાં ડામરથી પેચવર્ક કરીને મામલો પતાવવાની તૈયારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે કોંક્રિટના નવા રોડ પર આવું પેચવર્ક લાંબા ગાળે કેટલું ટકશે તે પણ મોટો પ્રશ્ન છે.
સાથે જ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાતા દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આણંદ મનપાએ શહેરમાં અનેક સ્થળે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા છે, પરંતુ કરમસદથી ઇસ્કોન મંદિર સુધીના આ રોડનું ઉદાહરણ હવે આયોજન અને વિભાગો વચ્ચેના સંકલન સામે સવાલ ઊભા કરી રહ્યું છે.
કરોડો રૂપિયાનો નવો રોડ બનાવ્યા પછી જ તેને ખોદવાની જરૂર કેમ પડી?
અને આ નુકસાનની જવાબદારી આખરે કોની?