આણંદ શહેરના વિકાસને લઈને મહત્વની કાર્યવાહી સામે આવી છે. લાંબા સમયથી અટવાયેલા ડેવલપમેન્ટ પ્લાન (DP)નો નવો ડ્રાફ્ટ અને તેનો નકશો રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. લગભગ 15 વર્ષ બાદ નવો વિકાસ નકશો જાહેર થતાં શહેરમાં તેની ચર્ચા શરૂ થઈ છે.
નવા ડીપી ડ્રાફ્ટમાં વિવિધ વિસ્તારોને અલગ-અલગ ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે. જોકે, કેટલાક એવા વિસ્તારોને ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક સોસાયટીઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેના કારણે બિલ્ડરો તેમજ સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.
સોસાયટીઓ બનેલા વિસ્તારો ગ્રીન ઝોનમાં હોવાનો દાવો
લાંભવેલ વિસ્તારમાં આકાંક્ષા હોસ્પિટલ આસપાસનો વિસ્તાર તેમજ રાવળાપુરા વિસ્તારમાં 30થી વધુ સોસાયટીઓ બની ચૂકી હોવા છતાં આ વિસ્તારોના કેટલાક ભાગોને ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન જ્યાં રહેણાંક વિકાસ થઈ ચૂક્યો છે તેવા વિસ્તારોને પણ નવા ડીપીના નકશામાં ગ્રીન ઝોન હેઠળ દર્શાવવામાં આવ્યા છે. આ મુદ્દે નગરજનોમાં સવાલો ઊભા થયા છે.
ચાલુ બાંધકામવાળા વિસ્તારો અંગે પણ વાંધો
સ્થાનિકોનો વધુ આક્ષેપ છે કે છેલ્લા એકથી ત્રણ વર્ષમાં મંજૂરી મેળવીને જ્યાં હાલ બાંધકામ ચાલી રહ્યું છે, તેવા કેટલાક વિસ્તારોનો પણ ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કારણે નવા ડીપી ડ્રાફ્ટમાં વાસ્તવિક સ્થળ પરિસ્થિતિને કેટલી હદે ધ્યાનમાં લેવામાં આવી છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. નગરજનો દ્વારા નકશાની સ્થળ પરિસ્થિતિ સાથે ફરી ચકાસણી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
બનેલા બાંધકામો વચ્ચે રસ્તા દર્શાવાતા પણ સવાલ
નવા ડેવલપમેન્ટ પ્લાનના નકશામાં કેટલાક એવા રસ્તાઓ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે, જ્યાં હાલ સ્થળ પર બાંધકામ થઈ ચૂક્યું છે.
આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં જમીનનો વર્તમાન ઉપયોગ અને ડીપીમાં દર્શાવવામાં આવેલા ઝોન વચ્ચે તફાવત હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
હવે વાંધા-સૂચનો બાદ સ્થિતિ સ્પષ્ટ થશે
નવો ડીપી ડ્રાફ્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ તેની જોગવાઈઓ અંગે શહેરમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ રહેણાંક વિસ્તારો અને પ્રસ્તાવિત રસ્તાઓ અંગે સ્થાનિકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જોવા મળી રહી છે.
હવે ડીપી ડ્રાફ્ટ સામે મળનારા વાંધા-સૂચનો અને સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતી ચકાસણી બાદ કયા વિસ્તારોના ઝોનમાં ફેરફાર થાય છે અને અંતિમ વિકાસ યોજનામાં શું સ્થિતિ રહે છે તે મહત્વનું રહેશે.