સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે 56 વર્ષીય આધેડ દ્વારા અયોગ્ય હરકતો કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ નજીક આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં “શ્રીજી લાઈવ આલુપુરી” નામની દુકાન ચલાવતા દિનેશ જીવરાજભાઈ રામાણી દ્વારા આ કૃત્ય આચરાયું હતું. ગત બપોરે બાળકી એકલી આલુપુરી લેવા દુકાને પહોંચી ત્યારે આરોપીએ વાળ સરખા કરવાનો બહાનો બનાવી તેને નજીક બોલાવી અને અયોગ્ય રીતે છેડછાડ કરી હતી. આથી ગભરાયેલી બાળકી તરત જ ત્યાંથી ભાગી છૂટી અને ઘરે જઈ માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને સાથે લઈને ઘટના સ્થળે રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
આ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની દીકરીઓની સુરક્ષા અંગે ચિંતિત મહિલાઓએ આરોપી પર ગુસ્સો ઉતારતા તેને લાતો મારી હતી અને એક મહિલાએ પોતાના શૂઝ વડે તેને માર્યો હતો. સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આરોપી અગાઉ પણ આવી હરકતોમાં સંડોવાયેલો હોઈ શકે છે.
પોલીસે હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ રાખ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.