11 બાળકો એકસાથે ધુણવા લાગ્યા… પછી હોસ્પિટલમાં પહોંચ્યા… અને સામે આવ્યું એવું કારણ કે આખી ઘટના રહસ્યમય બની ગઈ!
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની મોસ્કુડ મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં 9 સપ્ટેમ્બરે શાળાનો સમય પૂર્ણ થયા બાદ અચાનક એક પછી એક આશરે 11 બાળકો ધુણવા લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ. બાળકોની હાલત જોઈ શિક્ષકો અને શાળા તંત્રના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતાં શરૂઆતમાં ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત થઈ. બાળકોને ડેડીયાપાડા હોસ્પિટલ લઈ જવાયા. જોકે ત્યાં બાળકોમાં ઝાડા-ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા નહીં. ત્યારબાદ વધુ સારવાર અને તપાસ માટે બાળકોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અને અહીંથી મામલો વધુ ચોંકાવનારો બન્યો…
રાજપીપળાના તબીબોએ બાળકોની સ્થિતિને માનસિક હોવાનું જણાવ્યું અને રિપોર્ટ પણ સામાન્ય આવ્યા.
પરંતુ શાળાની શિક્ષિકા કલ્પનાબેન વસાવાએ આ ઘટનાને અલગ જ રીતે રજૂ કરી. તેમના જણાવ્યા પ્રમાણે બાળકો પર હનુમાન દાદાનો પવન આવ્યો હતો, જ્યારે સંસ્થાને બદનામ કરવા માટે ફૂડ પોઇઝનિંગનું બહાનું બનાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ સ્થાનિક સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના જણાવ્યા પ્રમાણે, ઘટના દરમિયાન મંદિરના પૂજારીને પણ બોલાવવામાં આવ્યા હતા.
હવે સવાલ એ છે કે…
આ ખરેખર ફૂડ પોઇઝનિંગ હતું?
માનસિક અસર હતી?
કે પછી ઘટનાની પાછળ કંઈક બીજું જ કારણ છે?
કારણ કે આ સમગ્ર મામલામાં આશ્રમશાળાના આચાર્ય પદને લઈને ચાલી રહેલા આંતરિક વિખવાદની ભૂમિકા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાળકોના રિપોર્ટ સામાન્ય છે, તબીબો માનસિક કારણની વાત કરી રહ્યા છે, શિક્ષિકા ધાર્મિક કારણ જણાવી રહ્યા છે અને બીજી તરફ શાળાના આંતરિક વિખવાદની ચર્ચા છે.
એટલે 11 બાળકોના ધુણવાના આ બનાવે અનેક સવાલો ઊભા કર્યા છે…
પરંતુ આ સવાલોના ચોક્કસ જવાબ તપાસ બાદ જ સામે આવશે.