જે શહેરે 100 વર્ષ પહેલાં દારૂ સામે કડક લડાઈ લડી હતી… એ જ ભાવનગરમાં આજે નકલી દારૂએ 13 પરિવારોના દીવા બુઝાવી દીધા!
ગત 18 ઓગસ્ટે ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ ભાવનગરના એ ઇતિહાસની પણ યાદ અપાવી છે, જ્યાં દારૂબંધી માટે કડક કાયદા અમલમાં હતા.
ભાવનગરના મોતીબાગ ટાઉનહોલમાં આજે પણ મહારાજા ભાવસિંહજી બીજાની પ્રતિમા આવેલી છે. અને તેમની પ્રતિમા નીચેની તકતીમાં લખાયેલો દારૂબંધીનો ઈતિહાસ જાણે આજના સમય સામે એક મોટો સવાલ ઊભો કરે છે.
વર્ષ 1918-19માં મહારાજા ભાવસિંહજી બીજાએ ભાવનગરમાં દારૂના ઇજારા, આયાત અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.
તે સમયે દારૂ રાજ્યની આવકનો મોટો સ્ત્રોત હતો. છતાં મહારાજાએ આર્થિક ફાયદા કરતાં પ્રજાના આરોગ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપી.
દારૂની કુલ 42 દુકાનોમાંથી 34 દુકાનો કાયમ માટે બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે બાકીની 8 દુકાનોનું વેચાણ પણ પરમિટધારકો પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી.
આટલું જ નહીં… વર્ષ 1927-28માં વિદેશી દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
દારૂબંધીનો ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી થતી. દારૂ પીતા ઝડપાયેલા લોકોને જેલ, તડીપાર અને તે સમયની કડક સજાનો સામનો કરવો પડતો હતો.
એટલે કે એક સદી પહેલાં ભાવનગરમાં દારૂ સામે જે કડકાઈ જોવા મળી હતી, તેની સામે આજે સર્જાયેલો લઠ્ઠાકાંડ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
એક તરફ મહારાજા ભાવસિંહજીનો એ ઈતિહાસ… અને બીજી તરફ નકલી દારૂથી ઉજડેલા 13 પરિવારો!
સવાલ હવે માત્ર દારૂબંધીનો નથી…
સવાલ એ છે કે કાયદો હોવા છતાં નશાનો આ કાળો કારોબાર આખરે કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે?
ભાવસિંહજી બીજાનો જન્મ 26 એપ્રિલ, 1875ના રોજ થયો હતો. તેઓ કલાપ્રેમી અને સંગીતપ્રેમી રાજવી તરીકે પણ જાણીતા હતા. તેમના શાસનકાળમાં દીવાન સર પ્રભાશંકર પટણીના વહીવટથી ભાવનગર રાજ્યની આગવી ઓળખ ઊભી થઈ હતી.
પરંતુ આજે, એ જ ભાવનગરના નામ સાથે લઠ્ઠાકાંડ જોડાય છે…
100 વર્ષ જૂની દારૂબંધીની તકતી જાણે આજે પણ એક જ સવાલ પૂછી રહી છે—
‘દારૂ સામેનો એ કડક ભાવનગરનો વારસો ક્યાં ખોવાઈ ગયો?’