નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પર્યાવરણની જાળવણી અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલ (20% એથેનોલ મિશ્રિત) નું વેચાણ ફરજિયાત કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, હવે તમામ તેલ કંપનીઓએ માત્ર 20% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે.
હવે માત્ર 95 RON વાળું પ્રીમિયમ ક્વોલિટી પેટ્રોલ મળશે
સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે સાદું પેટ્રોલ વપરાતા હતા તે 91 RON (રિસર્ચ ઓક્ટેન નંબર) નું હતું. પરંતુ E20 પેટ્રોલમાં એન્જિનની સુરક્ષા માટે 95 RON નક્કી કરવામાં આવ્યો છે.
ફાયદો: ઉંચો RON નંબર એન્જિનમાં 'નોકિંગ' (અવાજ કે ઝટકા) અટકાવે છે અને એન્જિન વધુ સ્મૂધ ચાલે છે.
જૂના વાહનોના માલિકોએ શું ધ્યાન રાખવું?
જો તમારી પાસે 2023 પહેલાનું વાહન છે, તો નિષ્ણાતો મુજબ કેટલીક અસરો જોવા મળી શકે છે:
માઈલેજ: ઈંધણની કાર્યક્ષમતામાં 3% થી 7% સુધીનો ઘટાડો થઈ શકે છે.
એન્જિન લાઈફ: લાંબા ગાળે જૂના એન્જિનના રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સને નુકસાન થવાની સંભાવના છે.
નોંધ: 2023 પછી બનેલા નવા વાહનો સંપૂર્ણપણે E20 સુસંગત (Compliant) છે.
ખેડૂતો અને અર્થતંત્રને બૂસ્ટ મળશે
એથેનોલ શેરડી, મકાઈ અને બગડેલા અનાજમાંથી બને છે. જેના કારણે:
ખેડૂતોની આવક: અત્યાર સુધી ખેડૂતોને ₹21,000 કરોડનો સીધો ફાયદો થયો છે.
દેશની બચત: ભારતે અત્યાર સુધી ₹1.40 લાખ કરોડનું વિદેશી ચલણ (ક્રૂડ ઓઈલની આયાત ઘટાડીને) બચાવ્યું છે.
શું છે આ એથેનોલ? (સમજવા જેવું)
એથેનોલ એ સ્ટાર્ચ અને ખાંડના આથો દ્વારા બનાવાતું આલ્કોહોલ છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે:
1G એથેનોલ: શેરડીનો રસ, સડેલા બટાકા અને મકાઈમાંથી.
2G એથેનોલ: ચોખાના ફોતરા, ઘઉંના ભૂસા અને વાંસ જેવા બાયોમાસમાંથી.
3G બાયોફ્યુઅલ: શેવાળ (Algae) માંથી બનાવવાની પ્રક્રિયા હાલ રિસર્ચ હેઠળ છે.
પર્યાવરણને ફાયદો
E20 ઇંધણના ઉપયોગથી વાહનો 35% ઓછો કાર્બન મોનોક્સાઇડ છોડશે, જેનાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. ઉપરાંત એથેનોલ ઝડપથી ઉડી જતું હોવાથી એન્જિન પણ પ્રમાણમાં ઠંડુ રહેશે.