Advertisement

યુદ્ધવિરામની અસરથી વાયદા બજારમાં હાહાકાર, એક જ દિવસમાં ચાંદીએ માર્યો ₹11,800 નો કૂદકો

યુદ્ધવિરામની અસરથી વાયદા બજારમાં હાહાકાર, એક જ દિવસમાં ચાંદીએ માર્યો ₹11,800 નો કૂદકો

અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર થયેલા બે સપ્તાહના સીઝફાયર (યુદ્ધવિરામ)ની સકારાત્મક અસર હવે ભારતીય વાયદા બજાર (MCX) પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટેલી ભૌગોલિક રાજકીય તંગદિલીને પગલે બજાર ખુલતાંની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલો તોતિંગ ઉછાળો રોકાણકારો માટે ભારે આશ્ચર્યનો વિષય બન્યો છે, જ્યારે સોનામાં પણ જબરદસ્ત ચમકારો જોવા મળ્યો છે.


આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ₹11,000 થી વધુની ઐતિહાસિક તેજી જોવા મળી છે. આંકડાઓ અનુસાર, ગત રોજ ₹2,31,348 ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે બજાર ખુલતાની સાથે જ સીધી ₹2,40,601 ના ઊંચા સ્તરે ઓપન થઈ હતી. ખરીદીના ભારે આકર્ષણને પગલે જોતજોતામાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી પણ વટાવી દીધી હતી. હાલમાં ચાંદી ગત બંધ ભાવની સરખામણીએ ₹11,857 એટલે કે 5.13% ના ધરખમ વધારા સાથે ₹2,43,205 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.


ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. ગત સેશનમાં ₹1,50,289 ના મથાળે બંધ રહેલું સોનું આજે ઉછાળા સાથે ₹1,53,550 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન લેવાલી નીકળતા સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી હતી અને હાલમાં તે ₹3,093 એટલે કે 2.06% ના વધારા સાથે ₹1,53,382 ના સ્તર પર મજબૂતીથી ટ્રેડ કરી રહ્યું છે.


બજારના નિષ્ણાતો કિંમતી ધાતુઓમાં અચાનક આવેલી આ તેજી પાછળ વૈશ્વિક રાજકીય ઘટનાક્રમને જવાબદાર માની રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાની જાહેરાત અને તેના પ્રતિસાદમાં ઈરાન દ્વારા વૈશ્વિક વેપાર માટે મહત્વની એવી હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની દર્શાવેલી તૈયારીઓએ બજારનું સેન્ટિમેન્ટ બદલી નાખ્યું છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતાં અને વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ ફરી રાબેતા મુજબ શરૂ થવાની આશાએ રોકાણકારોમાં નવો ઉત્સાહ જગાવ્યો છે, જેના પરિણામે સોના-ચાંદીમાં આક્રમક ખરીદી જોવા મળી રહી છે.

Advertisement