વલસાડના વાપીમાં એક સાપ માટે સ્નેક કેચરે એવું કામ કર્યું કે સાંભળીને તમે પણ ચોંકી જશો!
વાપી GIDC વિસ્તારમાં IGCL એટલે કે ઇન્ડિયા ગિલેટ કંપનીના ETP પ્લાન્ટ નજીક કેમિકલયુક્ત પાણીની ટાંકી પાસે આશરે 5 ફૂટ લાંબો ધામણ સાપ બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
કેમિકલના સંપર્કમાં આવવાને કારણે સાપની હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે તેના શ્વાસ અટકી રહ્યા હતા અને જીવ બચવાની શક્યતા પણ મુશ્કેલ લાગી રહી હતી.
આ સમયે ઘટનાની જાણ થતાં સ્નેક કેચર સંજય પવાર સ્થળ પર પહોંચ્યા.
સાપની સ્થિતિ જોઈને તેમણે સમય ગુમાવ્યા વિના તેને કૃત્રિમ શ્વાસ આપવાનું શરૂ કર્યું.
સંજય પવારે પોતાના મોં વડે સાપને કૃત્રિમ શ્વાસ આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, અને સતત પ્રયાસો બાદ બેભાન પડેલો ધામણ સાપ ફરી શ્વાસ લેવા લાગ્યો.
પરંતુ આ દરમિયાન સંજય પવાર માટે પણ જોખમ ઓછું નહોતું.
કેમિકલના સંપર્કમાં આવેલો સાપ અને સીધા મોં વડે કૃત્રિમ શ્વાસ આપવાની પ્રક્રિયાને કારણે ચેપ કે એલર્જીનું જોખમ ઉભું થઈ શકે છે. તેથી સંજય પવારને પણ 24 કલાક તબીબી દેખરેખ હેઠળ રાખવાની સલાહ આપવામાં આવી છે.
એક તરફ કેમિકલના કારણે મૂંગા જીવનો જીવ જોખમમાં હતો, તો બીજી તરફ સ્નેક કેચરે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના તેને બચાવવા પ્રયાસ કર્યો.
વાપીની આ ઘટનામાં સાપનો જીવ તો બચ્યો જ, પરંતુ સંજય પવારની જીવદયા અને હિંમતની પણ હાલ સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.