Advertisement

વલ્લભ વિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્ય સ્તરીય ફૂટબોલ કેમ્પનું ભવ્ય સમાપન: સેતુ ટ્રસ્ટના ૫મા સ્થાપના દિવસની ઉજવણી

વલ્લભ વિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્ય સ્તરીય ફૂટબોલ કેમ્પનું ભવ્ય સમાપન: સેતુ ટ્રસ્ટના ૫મા સ્થાપના દિવસની ઉજવણી

વલ્લભ વિદ્યાનગર: સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તથા ચારુતર વિદ્યામંડળ અને જીવન ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના વિશેષ સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે આયોજિત ગુજરાત રાજ્ય સ્તરીય ફૂટબોલ ટ્રેનિંગ કેમ્પનો સમાપન સમારોહ તાજેતરમાં સંપન્ન થયો હતો. આ કેમ્પનું આયોજન ૧ મે, ૨૦૨૬ થી ૧૧ મે, ૨૦૨૬ દરમિયાન વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૫૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સેતુ ટ્રસ્ટના સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થતા ૫માં સ્થાપના દિવસની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.


આ તાલીમ શિબિર દરમિયાન ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી ખાસ ઇન્ટરનેશનલ કોચ અને રેફ્રી શ્રી ડેનિયલ તેમજ શ્રી મનજીત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. ચારુતર વિદ્યામંડળ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા તમામ ખેલાડીઓ માટે રહેઠાણ અને ગ્રાઉન્ડની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં બી. એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ, આણંદના ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓએ પણ ખડેપગે રહીને પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો.


કેમ્પના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી, શ્રી કૃણાલભાઈ શાહ, ડૉ. રોનક શોધન, ડૉ. એકતા શાહ, બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રીમતી દિપાલીબેન રાઠી અને સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી સુધાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, સેતુ યુવા ગ્રુપના ચેરમેન વંદન કળથીયા અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

Advertisement