Advertisement

વિદ્યાનગરના ‘ધ વન સ્પા’માંથી પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટ ઝડપાઈ, SOG પોલીસે તુષાર પટેલની ધરપકડ કરી ₹22,500નો મુદ્દામાલ જપ્ત

વિદ્યાનગરના ‘ધ વન સ્પા’માંથી પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટ ઝડપાઈ, SOG પોલીસે તુષાર પટેલની ધરપકડ કરી ₹22,500નો મુદ્દામાલ જપ્ત

આણંદ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે સ્પા સેન્ટરોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત વિદ્યાનગરના 'ધ વન સ્પા' સેન્ટરમાંથી પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ઉત્તરસંડાના તુષાર હસમુખભાઈ પટેલની ધરપકડ કરી છે અને કુલ ₹22,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


મળતી માહિતી મુજબ, આણંદ SOG પોલીસની ટીમ વિદ્યાનગર ન્યુ રાજમાર્ગ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન 'શાન મોલ'માં આવેલા 'ધ વન સ્પા' ખાતે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પાના કાઉન્ટર નીચે છુપાવેલા બોક્સમાંથી સરકાર દ્વારા પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટ મળી આવી હતી. પોલીસે ELFBAR RAYA D3ના 06 નંગ અને A.I SPACEનો 01 નંગ સહિત કુલ 07 ચાઈના બનાવટની ઈ-સિગારેટ જપ્ત કરી હતી. એક મોબાઈલ ફોન સહિત આશરે 22,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


આ કેસમાં પોલીસે તુષાર હસમુખભાઈ પટેલ (રહે. ઉત્તરસંડા, નડિયાદ, જિ. ખેડા)ની અટકાયત કરી છે. આરોપી વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારી, પી.એસ.આઈ. એસ.ઓ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Advertisement