વિદ્યાનગરમાં MD અને LSD ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા, SOG દ્વારા તપાસ ચાલુ
વિદ્યાનગર પોલીસે આજે કરમસદના ભુતીયાવડ પાસેથી બર્ગમેન ઉપર સવાર થતા બે શખ્સોને ઝડપી પાડીને યુવાધનના બરબાદ કરતા નશીલા એમડી અને એલએસડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડીને એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ એસઓજીને સોંપવામાં આવી છે. જ્યાં પોલીસે પકડાયેલા બન્ને શખ્સોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતીમળી હતી કે, બે શખ્સો નશીલા એમડી પદાર્થનો જથ્થો લઈને બર્ગમેન ઉપર કરમસદના ભુતીયાવડથી વલાસણ તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ ભુતીયાવડ થઈ વલાસણ જવાના રોડ ઉપર દાદાજીની વાડી આગળ વોચમાં ગોઠવાઈ ગયા હતા.
દરમ્યાન એક બર્ગમેન નંબર જીજે૦૨૩, ડીવાય-૮૨૩૭ ઉપર બે શખ્સો સવાર થઈને આવી પહોંચતા જ પોલીસે તેમને રોક્યા હતા અને નામઠામ પુછતાં તેઓ પરવેઝ હકીમભાઈ સૈયદ (રે. અલહયાત કોમ્પલેક્ષ, ઝાયડસ હોસ્પીટલની પાછળ, નાની ખોડીયાર રોડ, આણંદ)અને મોસીનખાન સિરાજખાન પઠાણ (રે. વલાસણ, મસ્જીદે આયશાની પાસે, પઠાણવાડો)ના હોવાનું જણાવ્યું હતુ. પોલીસે બન્નેની અંગજડતી કરતા પહેરેલા પેન્ટના ખિસ્સામાંથી સિગારેટના પાકીટો મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા અંદર પ્લાસ્ટીકની ઝીપ લોક પાઉચમાં ડ્રગ્સ જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેથી તેની ખાતરી કરવા માટે આણંદ એફએસએલને જાણ કરતા જ એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે આવી પહોંચી હતી અને પકડાયેલા પદાર્થની ચકાસણ કરતા એક એમફેટામાઈન/એમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ/મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) અને બીજો પદાર્થ એલએસડી ડ્રગ્સ (લાયસર્જિક એસિડ ડાયેથિલામાઈડ)હોવાનું ખુલવા પામ્યું હતુ. જેનું વજન કરતા એમડી ડ્રગ્સ ૫.૩૬ ગ્રામ કે જેની કિંમત ૫૩૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે તથા એલએસડી ડ્રગ્સ ૨૫૦ મીલીગ્રામ કે જેની કિંમત ૬૨.૫૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. આમ, પોલીસે કુલ ૬૩.૦૩ લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા બન્ને શખ્સોની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન અને રોકડા ૧૧૦૦ રૂપિયા મળી આવ્યા હતા. બર્ગમેન સાથે પોલીસે કુલ ૬૩,૮૫,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ ધારાની અલગ-અલગ કલમો હેઠળ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની વધુ તપાસ આણંદ એસઓજીને સોંપવામાં આવી છે. એસઓજીએ તપાસ સંભાળી લઈને આ એમડી અને એલએસડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા હતા ? કોને વેચતા હતા ? કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરાઈ રહ્યું છે ? જેવી બાબતોની તપાસ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન ડ્રગ્સ સંબંધી કેટલીય ચોંકાવનારી વિગતો સપાટી પર આવવાની શક્યતા જોવાઈ રહી છે.
એલએસડી ડ્રગ્સનું સેવન જીભ ઉપર મુકીને કરાય છે
આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વખત પકડાયેલા એલએસડી ડ્રગ્સનું સેવન જીપ ઉપર મુકીને કરવામાં આવે છે. આ ડ્રગ્સ ફ્લોટીંગ પેપરમાં માઉન્ટ કરેલો પદાર્થ હોય છે, જે ટપાલ ટિકિટ જેવો જ લાગે છે. જ્યારે એમડી ડ્રગ્સ પડીકીઓમાં મીક્સ કરીને ખાઈને તેનું સેવન કરવામાં આવે છે. આ બન્ને ડ્રગ્સ એટલા મોંઘા હોય છે, કે તેનો નશો નબીરાઓ જ કરતા હોય છે. જેથી પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
૧ મીલીગ્રામ એલએસડી ડ્રગ્સનો ભાવ ૨૫ હજાર રૂપિયા
વિદ્યાનગનરના પીઆઈ ડી. આર. ગોહિલના જણાવ્યા અનુસાર એમડી અને એલએસડી ડ્રગ્સ સાથે ઝડપાયેા બન્ને શખ્સોની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે. ત્યારે એમડી ડ્રગ્સનો એક ગ્રામનો ભાવ ૧૦ હજાર રૂપિયા છે જ્યારે એલએસડી ડ્રગ્સનો એક મીલીગ્રામનો ભાવ ૨૫ હજાર રૂપિયા છે. એમડી ડ્રગ્સ વાઈટ પાવડરના રૂપમાં ચળકતા પદાર્થના રૂપમાં આવે છે જ્યારે એલએસડી ડ્રગ્સ ફ્લોટીંગ પેપરમાં માઉન્ટ કરેલો પદાર્થ હોય છે, જે ટપાલ ટિકિટ જેવો જ લાગે છે. આમ,પ્રાથમિક દ્રષ્ટીએ કોઈને પણ ખ્યાલ જ ના આવે કે નશીલા પદાર્થ છે.
ગ્રુપ બનાવીને એમડી-એલએસડી ડ્રગ્સ વેચતા હતા
એમડી અને એલએસડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બન્ને શખ્સો ગ્રુપ બનાવીને વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. એમડી અને એલએસડી ડ્રગ્સના બંધાણી હોય તેવા જ વ્યક્તિઓના ગ્રૃપો બનાવવામાં આવતા હતા અને ઓળખાણ થઈ હોય તેવી જ વ્યક્તિઓને વેચતા હતા. જેથી પોલીસની નજરોથી બચતા ફરતા હતા. બન્ને શખ્સો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ નશીલા પદાર્થનો કારોબાર કરી રહ્યા હતા જેને લઈને અત્યાર સુધી તેઓ દ્વારા કેટલુંય એમડી અને એલએસડી ડ્રગ્સ લાવીને નબીરાઓને વેચવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
એમડી અને એલએસડી ડ્રગ્સ સિગરેટના ખોખામાં જ રાખતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર બન્ને શખ્સો એમડી અને એલએસડી ડ્રગ્સ સિગારેટના ખાલી ખોખામાં જ પ્લાસ્ટીકની ઝીપલોકમાં રાખતા હતા. એમડી ડ્રગ્સની એક-એક ગ્રામની પડીકીઓ તેમજ એલએસડી ડ્રગ્સની એક-એક મીલીગ્રામની પડીકીઓ બનાવીને સિગરેટના ખાલી બોક્સમાં સંતાડી દેતા હતા. પ્રથમ દ્રષ્ટીએ કોઈને એમ જ લાગે કે, સિગરેટનું બોક્સ હશે. જો પોલીસ રોકે અને ઝડતી કરે તો સિગરેટનું બોક્સ નજર ચુકવીને ફેંકી દે તો પણ કોઈને ખ્યાલ ના આવે કે તેમાં નશીલો પદાર્થ છુપાવ્યો છે.
પરવેઝ પરિણીત અને મોસીન અપરિણીત હોવાનું ખુલ્યું
એમડી અને એલએસડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલો પરવેઝ સૈયદ પરિણીત છે. અને તેના વિરૂદ્ઘ અગાઉ સને ૨૦૦૮માં આણંદ શહેર પોલીસ મથકે મારામારીનો ગુનો પણ દાખલ થયો હતો. જ્યારે મોસીન અપરણિત હતો અને છેલ્લા કેટલાક સમયથી પરવેઝના સંપર્કમાં આવતા તે પેડલર બની ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ભેદવા માટે તલસ્પર્શી તપાસ હાથ ઘરી છે.
પરવેઝ એમડી-એલએસડી ડ્રગ્સ લાવતો જ્યારે મોસીન પેડલર
વિદ્યાનગર પીઆઈ ડી. આર. ગોહિલના જણાવ્યા અનુસાર મુખ્ય સુત્રધાર પરવેઝ સૈયદ હોવાનું ખુલવા પામ્યું છે. પરવેઝ સૈયદ એમડી અને એલએસડી ડ્રગ્સનો જથ્થો વોટ્સેપ કોલીંગ કરીને નશાના કારોબાર સાથે સંકળાયેલા મોટા માથાઓ પાસેથી મંગાવતો હતો. જ્યારે મોસીન પઠાણ પેડલર છે. તે ગ્રાહકો સુધી એમડી-એલએસડી ડ્રગ્સની ડીલીવરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. જો કે બન્નેની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. જેેને લઈને આગામી એકાદ-બે દિવસમાં એમડી અને એલએસડી ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કનો પર્દાફાશ થશે.