આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચુસ્ત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું. વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. મુંધવાના નેતૃત્વમાં સિલેન્સ સ્ટાફ દ્વારા વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવી રહી હતી.
આ દરમ્યાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતોનો ભંગ કરીને વિદ્યાનગર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. આરોપી દારૂના નશામાં ઘાતક હથિયાર (છરો) સાથે ફરી રહ્યો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીનું નામ કૌશલ ઉર્ફે મેડીયો જયંતીભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું છે, જે વિદ્યાનગરના મહાદેવ એરિયા, કૃષ્ણા હાઉસિંગ સોસાયટીમાં રહે છે. આ કામગીરીમાં પોલીસની ટીમે સતર્કતા દાખવીને ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.