વિદ્યાનગરમાં છરીથી હુમલો! સિક્યોરિટી ગાર્ડને ગંભીર ઈજા
વિદ્યાનગરના હરિઓમ નગરમાં રહેતા સિક્યોરીટી ગાર્ડ પર બુધવારે રાત્રિના શખસે પોલીસમાં બાતમી આપ્યાનો વ્હેમ રાખીને છરીથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં રાત્રિના સમયમાં શખસે અન્ય એક યુવક પર પણ જીવલેણ હુમલો કર્યો હતો.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગરના હરિઓમ નગરમાં રવિભાઈ શંકરભાઈ ભાટીયા રહે છે. તેઓ વિદ્યાનગરમાં રહેતા નયનાબેન પટેલના બંગ્લા પર સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેમના ઘરની સામે આવેલી શાન્તિદિપ સોસાયટીમાં રહેતો જીતુ હરિ મહારાજ અવાર-નવાર તેમના ઘર પાસે બેસી રહીને ગમે તેમ અપશબ્દ બોલતો હોય તેને ગમે તેમ ન બોલવા બાબતે રવિભાઈએ ઠપકો આપ્યો હતો. જેને પગલે તેમની વચ્ચે અણબનાવ ચાલતો હતો. દરમિયાન, જીતુ મહારાજને અવાર-નવાર પોલીસ શોધવા માટે આવતી હોય તેને એવો શક વ્હેમ હતો કે રવિ ભાટીયા જ પોલીસમાં બાતમી આપે છે.
જેને પગલે બુધવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ રવિભાઈ ઘરે હાજર હતા ત્યારે જીતુ મહારાજ આવી પહોંચ્યો હતો અને તું પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે તેમ જણાવીને તેની પાસેની છરી ડાબા કાનની નીચે અને અને ગળાના ભાગે મારી દેતા લોહીલુહાણ થઈ ગયો હતો. એ પછી શખસ યુવકનું જ મોપેડ લઈને ત્યાંથી છરી લઈ ભાગી ગયો હતો. દરમિયાન, ઈજાગ્રસ્તને તુરંત પરિવારજનો હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બીજી તરફ મોપેડ લઈને ભાગેલો જીતુ મહારાજ રાત્રિના સવા બે વાગ્યે શાલીની એપાર્ટમેન્ટ પાસે મહેશભાઈ વાઘેલા નામના યુવકને મળ્યો હતો. જ્યાં તેણે યુવકને રોકીને તું પોલીસમાં મારા અંગે કેમ બાતમી આપે છે તેમ કહીને તેના પર પણ જીવલેણ હુમલો કરતા તેને ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી તેને મોડી સાંજે ઝડપી પાડ્યો હતો.