Advertisement

વડોદરામાં ચૂંટણી પહેલા જ ભાજપની જીતની શરૂઆતઃ ગુતાલ બેઠક બિનહરીફ

વડોદરામાં ચૂંટણી પહેલા જ ભાજપની જીતની શરૂઆતઃ ગુતાલ બેઠક બિનહરીફ

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં ભાજપે શરૂઆતથી જ પ્રભુત્વ બતાવતાં કોંગ્રેસમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે, જેમાં વાઘોડિયા તાલુકાની ગુતાલ બેઠક પર ભાજપના ઉમેદવાર વિશાલ વસાવા સામે કોંગ્રેસના નરેન્દ્ર વસાવા મેદાનમાં હતા. જોકે, ભાજપ છોડીને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા નરેન્દ્ર વસાવાએ અંતિમ ક્ષણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય જાહેર થયો છે.


આ ઉપરાંત ગુતાલ તાલુકા પંચાયતની બેઠક પણ ભાજપ માટે બિનહરીફ રહી છે. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ઉમેદવારને કોર્ટ દ્વારા સજા મળવાને કારણે તેમનું ફોર્મ રદ થતાં ભાજપના ગૌરાંગ ભાટીયા બિનહરીફ જાહેર થયા છે. આ મામલે કોંગ્રેસે હાઇકોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ રણોલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન ઠાકોર સામે રહેઠાણને લઈને ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી અધિકારીએ આ વાંધો ફગાવી ઉમેદવારી મંજૂર કરી હતી.


કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયામાં ગંભીર આક્ષેપો પણ કર્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ ગુતાલ અને જરોદ બેઠકના કોંગ્રેસી ઉમેદવારોનું અપહરણ કરાયું હતું અને ભાજપના નેતાઓ દ્વારા દબાણ બનાવવામાં આવ્યું હતું. પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન રાજેન્દ્ર પટેલ અને તેમના સાથીદારો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે પોલીસ પણ ફરિયાદ નોંધવામાં ઉદાસીનતા દાખવી રહી છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થયા છે.

Advertisement