વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં બેંકની મોબાઇલ એપ્લિકેશન અપડેટ કરાવ્યા બાદ એક વેપારીના બેંક ખાતામાંથી રૂ.90 હજારની ઓનલાઈન લેવડદેવડ થઈ ગયાની ઘટના સામે આવી છે. વેપારીના જણાવ્યા મુજબ, બેંકમાં એપ્લિકેશન શરૂ કરાવ્યા બાદ તેમના મોબાઇલમાં વારંવાર સિસ્ટમ અપડેટ થયું હતું. ત્યારબાદ ખાતામાંથી રૂ.50 હજાર અને રૂ.40 હજાર એમ કુલ રૂ.90 હજાર બે અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
BOBની એપ્લિકેશનમાં સમસ્યા હોવાથી બેંક પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને ભાયલી ખાતે સલૂનનો વ્યવસાય કરતા અજયકુમાર લિંબાચિયા તા.24 સપ્ટેમ્બરના રોજ ગોત્રી રોડ પર આવેલા સેન્ટા સ્ક્વેર ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં ગયા હતા.
તેમના મોબાઇલમાં BOBની એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરતી ન હોવાથી તેમણે બેંકના કર્મચારીને આ અંગે જાણ કરી હતી. ફરિયાદ મુજબ, બેંક કર્મચારીએ નવી એપ્લિકેશનનું વર્ઝન આવ્યું હોવાનું જણાવી વેપારીના મોબાઇલમાં એપ્લિકેશન શરૂ કરી આપી હતી.
મોબાઇલમાં ત્રણ વખત સિસ્ટમ અપડેટ થયું
વેપારીના જણાવ્યા મુજબ, એપ્લિકેશન શરૂ કરાવ્યા બાદ તેમના મોબાઇલમાં ઓટોમેટિક સિસ્ટમ અપડેટની પ્રક્રિયા શરૂ થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મોબાઇલમાં આશરે 25-25 મિનિટ સુધી ત્રણ વખત સિસ્ટમ અપડેટ થયું હતું.
આ સમગ્ર પ્રક્રિયા બાદ વેપારી ભાયલી ખાતે મોબાઇલ લેવા ગયા હતા.
પેમેન્ટ કરતી વખતે ખાતામાં માત્ર રૂ.945 બેલેન્સ દેખાયું
ભાયલી ખાતે પેમેન્ટ કરતી વખતે વેપારીએ પોતાના બેંક ખાતાનું બેલેન્સ ચેક કર્યું હતું. ત્યારે ખાતામાં માત્ર રૂ.945 જેટલું બેલેન્સ હોવાનું સામે આવ્યું હતું.
આથી તેમણે ખાતાની ટ્રાન્ઝેક્શન વિગતો તપાસતાં આશ્ચર્યજનક રીતે ખાતામાંથી કુલ રૂ.90 હજારની ઓનલાઈન લેવડદેવડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
રૂ.50 હજાર અને રૂ.40 હજાર બે અલગ ખાતામાં ટ્રાન્સફર
ફરિયાદ મુજબ, વેપારીના ખાતામાંથી રૂ.50 હજાર રાહુલ યાદવના ખાતામાં જ્યારે રૂ.40 હજાર મિસ્ત્રી ઓમપ્રકાશ અણુભાઈના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
વેપારીએ બંને ટ્રાન્ઝેક્શન પોતે કર્યા ન હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ તેમણે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
લક્ષ્મીપુરા પોલીસે તપાસ શરૂ કરી
આ મામલે વેપારીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બંને ખાતાધારકોના ખાતામાં રકમ કેવી રીતે પહોંચી, ટ્રાન્ઝેક્શન કયા માધ્યમથી થયા અને મોબાઇલ એપ્લિકેશન અપડેટ કરાવવાની સમગ્ર પ્રક્રિયા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હાલ પોલીસ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વિગતો અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે સમગ્ર ઘટનાની કડી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.