વડોદરામાં 80 ફૂટ લાંબી હોરર ગુફાએ ગણેશોત્સવને બનાવી દીધો એકદમ અલગ!

વડોદરામાં 80 ફૂટ લાંબી હોરર ગુફાએ ગણેશોત્સવને બનાવી દીધો એકદમ અલગ!

વડોદરામાં ગણેશ પંડાલમાં બાપ્પાના દર્શન પહેલાં ભૂતોથી મુલાકાત! 😱

80 ફૂટ લાંબી હોરર ગુફાએ ગણેશોત્સવને બનાવી દીધો એકદમ અલગ!


વડોદરાના આજવા રોડ પર હાલ ગણેશ મહોત્સવમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે, જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.


આ કોઈ હોરર ફિલ્મનો સેટ નથી… આ છે ગણેશ પંડાલની અંદર તૈયાર કરાયેલી 80 ફૂટ લાંબી હોરર ગુફા!


બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોએ પહેલાં આ ડરામણી ગુફામાંથી પસાર થવું પડે છે. રસ્તામાં ક્યાંક ભૂતિયા આકૃતિઓ તો ક્યાંક ડરામણા અવાજો… અને ટેકનોલોજીના ઉપયોગથી ઉભા કરાયેલા એવા દૃશ્યો કે જાણે હોરર ફિલ્મ જીવતી થઈ હોય!


આ ગુફામાં 10થી 15 AI જનરેટેડ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. મોટર્સ, લાઇટિંગ અને વોઈસ ઈફેક્ટ્સની મદદથી સ્ટેચ્યુમાં હલનચલન અને વિવિધ ભયાનક દૃશ્યો ઊભા કરવામાં આવ્યા છે.


પણ વાત અહીં પૂરી નથી થતી…


ગુફા પાર કર્યા પછી ભક્તો માટે 5 મિનિટનો અલગ હોરર શો પણ રાખવામાં આવ્યો છે.


શ્રીજી યુવક મંડળના સભ્ય દીપ પુરાણીના જણાવ્યા પ્રમાણે, મંડળ વર્ષ 2009થી અલગ-અલગ થીમ પર કામ કરી રહ્યું છે અને આ વખતે હોરર થીમ પસંદ કરવામાં આવી છે.


આ આખી રચના પાછળ કાર્યકર્તાઓએ લગભગ 5 મહિના મહેનત કરી છે. ખાસ કરીને છેલ્લા બે મહિનામાં કાર્યકર્તાઓએ રોજના માત્ર 2થી 3 કલાક આરામ સાથે પંડાલના કામમાં સમય આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


મંડળનું કહેવું છે કે આ હોરર શોનો એક હેતુ બાળકોને એ સમજાવવાનો પણ છે કે ભૂત-પ્રેતની વાતો અંધશ્રદ્ધા છે અને ગણેશજીમાં જ શ્રદ્ધા રાખવી જોઈએ.


દરરોજ અહીં 5થી 7 હજાર જેટલા ભક્તો પહોંચતા હોવાનો મંડળનો દાવો છે. સાથે જ ફાયર સેફ્ટી, CCTV અને મેડિકલ સુવિધાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


એટલે આ વખતે વડોદરામાં ગણેશ દર્શનનો રસ્તો સીધો બાપ્પા સુધી નથી પહોંચતો…

પહેલા 80 ફૂટની હોરર ગુફાનો સામનો કરવો પડે છે, અને પછી થાય છે ગણપતિ બાપ્પાના દર્શન!