Advertisement

વૈશ્વિક તણાવની સીધી અસર: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ઝીંકાયો ભડકો, પ્રતિ કિલોએ ₹2નો વધારો

વૈશ્વિક તણાવની સીધી અસર: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ઝીંકાયો ભડકો, પ્રતિ કિલોએ ₹2નો વધારો

ઈરાન-અમેરિકા વિવાદ અને હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીના કારણે ભારતમાં મોંઘવારીનો મોટો ફટકો; દિલ્હી અને મુંબઈમાં નવા ભાવ અમલી.


 વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ભારે તણાવની સીધી અસર હવે ભારતીય બજારો અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર માઠી અસર પડી છે. પરિણામે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોએ ૨ રૂપિયાનો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેને કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે.


 ભાવ વધારાના કારણે દેશની રાજધાની દિલ્હીમાં સીએનજી (CNG) ની કિંમત જે પહેલા ૭૭.૦૯ રૂપિયા હતી, તે હવે વધીને ૭૯.૦૯ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આવી જ કંઈક સ્થિતિ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ જોવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગેસ સપ્લાય કરતી કંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં પણ સીએનજીના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને ૮૪ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો છે.


 સીએનજીના ભાવમાં થયેલો આ વધારો સીધી કે આડકતરી રીતે સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો બોમ્બ ફોડશે. હાલના સમયમાં મોટાભાગની સિટી બસો, ઓટોરિક્ષા, પ્રાઇવેટ કેબ્સ અને ટેક્સીઓ સીએનજી પર ચાલી રહી છે. ઇંધણ મોંઘું થવાના કારણે દૈનિક મુસાફરી કરતા લાખો લોકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા પણ સંકેત આપવામાં આવ્યા છે કે આગામી દિવસોમાં ઓટો અને ટેક્સીના જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો કરવો પડી શકે છે, જે આખરે મધ્યમ વર્ગ કમર તોડશે.

Advertisement