ઉમરેઠના ધુળેટામાં ગેરકાયદે પશુ કતલના આક્ષેપ, 200 કિલો માં*સ સહિત મુદ્દામાલ જપ્ત

ઉમરેઠના ધુળેટામાં ગેરકાયદે પશુ કતલના આક્ષેપ, 200 કિલો માં*સ સહિત મુદ્દામાલ જપ્ત

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં ગેરકાયદેસર રીતે પશુ કતલ કરી માં*સના વેચાણની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એક મહિલા સહિત ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી આશરે 200 કિલો માં*સ તેમજ કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ રૂ.20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ધુળેટા હુસેનપુરા વિસ્તારમાં રહેતા ફીરોજખાન મહેબુબખાન પઠાણ અને ઇમરાનખાન ઉર્ફે લપ્પો ઐયુબખાન પઠાણે લાલ રંગની ગાય કાપીને વેચાણ માટે બિસ્મીલ્લાખાન ઉર્ફે બોબો સિકંદરખાન પઠાણને આપી હોવાની બાતમી મળી હતી.

આ માહિતીના આધારે ઉમરેઠ પોલીસે પંચોને સાથે રાખીને ધુળેટા ગામના મોટા મહોલ્લા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા માં*સ કાપી રહેલો બિસ્મીલ્લાખાન, માં*સનું વજન કરી રહેલી પરવીનબીબી ઉર્ફે કાલી સાજીદખાન પઠાણ તેમજ ફીરોજખાન અને ઇમરાનખાન પાછળની ખુલ્લી ગલીઓમાંથી ફરાર થઈ ગયા હતા.

સ્થળ પરથી 200 કિલો માં*સ સહિત સાધનો મળ્યા

પોલીસે સ્થળની તપાસ કરતાં આશરે 200 કિલો માં*સ મળી આવ્યું હતું. સાથે જ પશુનું માથું, ચામડું અને શીંગડા પણ મળી આવ્યા હતા. ઘટનાસ્થળે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી માંસ*ની તપાસ કરાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં માં*સ ગૌવંશ પ્રજાતિનું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે જરૂરી નમૂનાઓ સીલ કરીને બાકીના માં*સનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળેથી લાકડાનો ટુકડો, છરીઓ, છરા, ત્રાજવા-વજનિયા અને લોખંડના આંકડિયા સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ મામલે ઉમરેઠ પોલીસે ચારેય શખ્સો સામે ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, BNS તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.