Advertisement

ઉમરેઠમાં મહેંદી દ્વારા ‘અચૂક મતદાન’નો સંદેશ, SVEEP અભિયાનથી મતદારોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ!

ઉમરેઠમાં મહેંદી દ્વારા ‘અચૂક મતદાન’નો સંદેશ, SVEEP અભિયાનથી મતદારોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ!

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મતદાન જાગૃતિ વધારવા માટે ‘સ્વીપ’ (SVEEP) અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આગામી 23 એપ્રિલે યોજાનાર મતદાનમાં વધુમાં વધુ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સતત જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાનની ટકાવારીમાં વધારો કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે.

આ જ અભિયાનના ભાગરૂપે ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ પાસે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે વિશેષ મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો અને વિદ્યાર્થીનીઓએ પોતાના હાથોમાં આકર્ષક મહેંદી રચાવી ‘અચૂક મતદાન’ કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. નારી શક્તિ અને યુવા શક્તિના સંગમ દ્વારા સમાજમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ પહેલ અસરકારક સાબિત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે મતદાન જાગૃતિને વધુ વેગ આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 8 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના વિવિધ કાર્યક્રમોનું વિશેષ કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ ઉમરેઠ મત વિસ્તારમાં દરરોજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદારોને પ્રેરિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, તાલુકા શિક્ષણાધિકારી તેમજ બ્રહ્માકુમારી સેન્ટરના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામને 23 એપ્રિલે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

Advertisement