આણંદ : આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી અન્વયેનું મતદાન આગામી તારીખ ૨૩ મી એપ્રિલના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયા મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે.
ઉમરેઠ મતદાર વિભાગના તમામ મતદાર મથકો ઉપર મતદાનના દિવસે ચાંપતી નજર રાખી શકાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિધાનસભા મત વિસ્તારના ૩૦૬ મતદાન મથકો ખાતે મતદાન મથક ની અંદર અને બહાર વેબ કાસ્ટિંગ માટેની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ૩૦૬ મતદાન મથક ખાતે યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ દ્વારા જીવંત નિરીક્ષણ કરવા માટે ટીમોની રચના પણ કરવામાં આવી છે. જે ઓડ ખાતે ઉભા કરવામાં આવેલ વેબકાસ્ટીંગ રૂમમાં બેસીને સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર મતદાન પ્રક્રિયાનું જીવંત નિરીક્ષણ કરશે.
વિધાનસભાની આ પેટા ચૂંટણી મૂક્ત વાતાવરણમાં અને પારદર્શકતા સાથે યોજાય તે માટે મતદાન મથકોના લાઈવ વેબ કાસ્ટીંગની સાથે ઈવીએમ અને વીવીપેટ મશીનોના પરીવહન ઉપર પણ ધ્યાન રાખી શકાય તે માટે ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોનું પરીવહન કરતાં ૭૩ વાહનો અને ૩૬ જીએસઆરટીસીની બસોને પણ જીપીએસ દ્વારા ટ્રેક કરવામાં આવશે.