Advertisement

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: ઓડ ખાતે પ્રિસાઈડીંગ અને પોલિંગ અધિકારીઓને પ્રથમ તાલીમ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી: ઓડ ખાતે પ્રિસાઈડીંગ અને પોલિંગ અધિકારીઓને પ્રથમ તાલીમ

આણંદ: આણંદ જિલ્લામાં આવનારી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આવનારી ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઓડ સ્થિત ડી.એમ. પટેલ કોલેજ ખાતે ચૂંટણી સ્ટાફ માટેની પ્રથમ તાલીમ યોજાઈ હતી.


આ તાલીમ કાર્યક્રમને બે અલગ-અલગ સત્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સત્ર બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી પ્રિસાઈડીંગ ઓફિસર (PR) માટે રાખવામાં આવ્યું હતું, જ્યારે બીજું સત્ર બપોરે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી ફર્સ્ટ પોલિંગ ઓફિસર (PO-1) માટે યોજાયું હતું.


તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર અને ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ દ્વારા ચૂંટણી સ્ટાફને મતદાન મથકની વ્યવસ્થા, ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મશીનના સંચાલન, મતદાન પ્રક્રિયાની તકેદારીઓ તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત મતદાન દિવસે સ્ટાફે કઈ રીતે જવાબદારીઓ નિભાવવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.


ઉલ્લેખનીય છે કે ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે યોજાયેલી આ પ્રથમ તાલીમમાં કુલ ૩૩૭ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વધુ તાલીમ કાર્યક્રમો પણ યોજાનાર છે.

Advertisement