અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના નવા પ્રેસ સેક્રેટરી તરીકે કેટી જકારિયાની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. અગાઉ કેરોલિના લેવિટે આ પદ છોડ્યા બાદ પ્રેસ સેક્રેટરીની જગ્યા ખાલી હતી. હવે જકારિયા વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગ અને મીડિયા સાથેના સંવાદની જવાબદારી સંભાળશે.
કેટી જકારિયા કેલિફોર્નિયાની વકીલ અને કન્ઝર્વેટિવ વિચારધારા ધરાવતી રાજકીય કોમેન્ટેટર છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થક તરીકે જાણીતા છે અને અનેક વખત જાહેર મંચો તથા ટેલિવિઝન કાર્યક્રમોમાં ટ્રમ્પની નીતિઓ અને નેતૃત્વનો બચાવ કરી ચૂક્યાં છે. નિમણૂકની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે તેમને પ્રતિભાશાળી અને વફાદાર સમર્થક ગણાવ્યાં હતાં.
ટ્રમ્પના નજીકના વર્તુળમાં રહી ચૂક્યાં છે જકારિયા
42 વર્ષીય કેટી જકારિયા ચાર બાળકોની માતા છે અને કેલિફોર્નિયાના વેસ્ટલેક વિલેજમાં રહે છે. તેમણે પેપરડાઇન યુનિવર્સિટીમાંથી સ્નાતક અને કાયદાનો અભ્યાસ કર્યો છે. જૂનથી તેઓ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપમાં સિનિયર કમ્યુનિકેશન એડવાઇઝર તરીકે કાર્યરત હતાં. આ કંપની ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’નું સંચાલન કરે છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન જકારિયા ફોક્સ ન્યૂઝ અને ન્યૂઝમેક્સ જેવા મીડિયા પ્લેટફોર્મ પર પણ જોવા મળ્યાં હતાં. જોકે, ફોક્સ ન્યૂઝે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચેનલનાં કર્મચારી નહોતાં. અહેવાલો અનુસાર, ટેલિવિઝન પર તેમની રજૂઆત અને ટ્રમ્પના સમર્થનમાં લખાયેલા લેખોએ તેમની પસંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નેતન્યાહૂ અને ઈરાન અંગે ટ્રમ્પ જેવી વિચારધારા
જકારિયા આંતરરાષ્ટ્રીય રાજકારણ અંગે પણ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરતાં રહ્યાં છે. તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરંટનો વિરોધ કર્યો હતો. ઈરાન અંગે પણ તેઓ કડક વલણ ધરાવે છે.
આ ઉપરાંત, તેમણે ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીની પણ ટીકા કરી હતી. નેતન્યાહૂ ન્યૂયોર્ક આવે તો તેમની ધરપકડ કરાવવાના મુદ્દે મમદાનીના નિવેદન સામે જકારિયાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમના રાજકીય વિચારો ટ્રમ્પની નીતિઓ સાથે ઘણી હદ સુધી મેળ ખાતા હોવાનું માનવામાં આવે છે.
કેરોલિના લેવિટે પરિવારને સમય આપવા છોડ્યું હતું પદ
કેરોલિના લેવિટે પોતાના પરિવાર અને બાળકો સાથે વધુ સમય વિતાવવા માટે વ્હાઇટ હાઉસ છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ 27 વર્ષની ઉંમરે અમેરિકાની સૌથી નાની વયની વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી બન્યાં હતાં. અહેવાલ મુજબ, તેમણે ઓગસ્ટના અંતમાં વહીવટીતંત્ર છોડ્યું હતું.
નવા પ્રેસ સેક્રેટરીની પસંદગી પહેલાં ટ્રમ્પે પોતાના નજીકના સલાહકારો સાથે ચર્ચા કરી હતી, જેમાં લેવિટનો પણ સમાવેશ થતો હતો. આ પદ માટે CNNના કન્ઝર્વેટિવ કોમેન્ટેટર સ્કોટ જેનિંગ્સ, ટ્રમ્પનાં ભૂતપૂર્વ વકીલ અલિના હબ્બા અને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એના કેલીનાં નામોની પણ ચર્ચા થઈ હતી.
લગભગ બે મહિના સુધી આ પદ ખાલી રહેતાં વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફિંગ અંગે પણ વિરામ રહ્યો હતો. હવે કેટી જકારિયાની નિમણૂક સાથે ટ્રમ્પ વહીવટીતંત્રની મીડિયા સમક્ષની રજૂઆતની જવાબદારી નવા ચહેરાને સોંપવામાં આવી છે.