Advertisement

તમારા ફોનમાં પણ ‘બીપ-બીપ’ અવાજ આવ્યો? જાણો કેમ ભારત સરકારે બધાના મોબાઈલ પર મોકલ્યો ઇમરજન્સી મેસેજ.

તમારા ફોનમાં પણ ‘બીપ-બીપ’ અવાજ આવ્યો? જાણો કેમ ભારત સરકારે બધાના મોબાઈલ પર મોકલ્યો ઇમરજન્સી મેસેજ.

નવી દિલ્હી: આજે શનિવારે સવારે ઠીક 11:41 વાગ્યે દેશભરમાં કરોડો લોકોના મોબાઈલ ફોન અચાનક એક વિચિત્ર સાયરન અને વાઈબ્રેશન સાથે ધણધણી ઉઠ્યા હતા. સ્માર્ટફોન પર એકાએક ફ્લેશ થયેલા 'Emergency Alert' ના મેસેજને જોઈને ઘણા લોકોમાં ગભરાટ અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ કોઈ ખતરો કે હેકિંગ નથી, પરંતુ ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કરવામાં આવેલું એક 'વાયરલેસ ઈમરજન્સી એલર્ટ' સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી ટેસ્ટિંગ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આજે આ સ્વદેશી સિસ્ટમનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે.


 આ ટેસ્ટિંગ પાછળનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભૂકંપ કે વાવાઝોડા સમયે નાગરિકો સુધી ત્વરિત માહિતી પહોંચાડવાનો છે. આ સિસ્ટમમાં 'સેલ બ્રોડકાસ્ટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સી-ડોટ (C-DOT) દ્વારા વિકસિત છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઈન્ટરનેટ કનેક્શન કે સિમ કાર્ડની રાહ જોયા વગર સીધા જ મોબાઈલ ટાવર દ્વારા તે વિસ્તારના તમામ ફોન પર મેસેજ મોકલી શકે છે. આ મેસેજ હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં મોકલવામાં આવ્યા હતા જેથી દરેક વ્યક્તિ તેને સમજી શકે.


 ભારત હવે ઇઝરાયેલ જેવા દેશોની હરોળમાં આવી ગયું છે, જ્યાં યુદ્ધ કે મિસાઇલ હુમલા સમયે નાગરિકોને ચેતવવા માટે આ જ ટેકનોલોજી વપરાય છે. અત્યાર સુધી સરકારે 'સચેત' (SACHET) પોર્ટલ દ્વારા 19થી વધુ ભાષાઓમાં 134 અબજથી વધુ SMS એલર્ટ મોકલ્યા છે, પરંતુ સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ SMS કરતા પણ વધુ ઝડપી અને નેટવર્ક જામ હોય તો પણ કામ કરે તેવી સક્ષમ છે. જો તમે ઈચ્છો તો તમારા ફોનના સેટિંગ્સમાં 'સેફ્ટી એન્ડ ઇમરજન્સી'માં જઈને આ 'વાયરલેસ ઇમરજન્સી એલર્ટ'ને કંટ્રોલ કરી શકો છો, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેને ચાલુ રાખવું હિતાવહ છે.

Advertisement