વડોદરા મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. વોર્ડ નંબર–1ના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલને આ વખતે પાર્ટીએ ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. હરીશ પટેલે હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
માહિતી મુજબ, વોર્ડ નંબર–1માં કોંગ્રેસે બંને પુરુષ પૂર્વ કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપી નથી. જેમાં જહા ભરવાડને ટિકિટ ન આપવાના પાછળ સીમાંકન અને જાતિ આધારિત ફેરફાર કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કોંગ્રેસે જહા ભરવાડના પત્નીને ઓબીસી બેઠક પરથી ટિકિટ આપી તેમને પાર્ટીમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
બીજી તરફ સામાન્ય બેઠક પરથી હરીશ પટેલને ટિકિટ ન મળતા તેઓ ભારે નારાજ થયા છે. ટિકિટ ફાળવણીમાં અવગણના થવાનો આક્ષેપ કરતા હરીશ પટેલે પાર્ટી સામે બળવો જાહેર કર્યો છે. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતાં વડોદરા કોંગ્રેસમાં રાજકીય ગરમાવો વધ્યો છે.
હરીશ પટેલના આ નિર્ણયથી વોર્ડ નંબર–1માં કોંગ્રેસને નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ આ નારાજગી દૂર કરી શકશે કે નહીં તે જોવું રહ્યું.