આણંદ જિલ્લાના નવનિર્મિત તારાપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન સંભાળી લીધું છે. નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ભાજપના રશ્મિકાબેન ધીમંતભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીની સત્તાવાર કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના ૧૩ સભ્યો ઉપરાંત ૫ અપક્ષ સભ્યોએ પણ ટેકો જાહેર કરતાં ભાજપના પક્ષમાં કુલ ૧૮ સભ્યોનું સંખ્યાબળ નોંધાયું હતું. પરિણામે ભાજપે નવનિર્મિત નગરપાલિકામાં મજબૂત બહુમતી સાથે સત્તા સ્થાપિત કરી છે.
નગરપાલિકાની નવી ટીમમાં કારોબારી ચેરમેન તરીકે દક્ષેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે દિલીપભાઈ અમૃતલાલ ડબગર અને દંડક તરીકે રેખાબેન સઈજીભાઈ રબારીની પસંદગી કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તારાપુર નગરપાલિકાની ૨૪ બેઠકો માટે યોજાયેલી પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપના ૧૩ ઉમેદવારો વિજેતા બન્યા હતા. આજે યોજાયેલી સત્તાવાર જાહેરાત પ્રસંગે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલજીભાઈ વડોદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનોએ નવનિયુક્ત પ્રમુખ, ઉપ પ્રમુખ અને અન્ય પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.