Advertisement

તારાપુર હાઈવે પર ઈસરવાડા નજીક રૂ ભરેલી ટ્રકમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

તારાપુર હાઈવે પર ઈસરવાડા નજીક રૂ ભરેલી ટ્રકમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

આણંદ જિલ્લાના તારાપુર હાઈવે પર ઈસરવાડા ગામ નજીક રૂ ભરેલી એક ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.


પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશ પાસિંગની ટ્રક (MP 09 HH 9884) રૂનો જથ્થો ભરીને તારાપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ઈસરવાડા નજીક પહોંચતા અચાનક ટ્રકમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. રૂ અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.


આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આખી ટ્રકને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ટ્રકના પાછળના ભાગથી લઈને એન્જિન સુધી બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. ટ્રકના ટાયરો પણ આગમાં ઓગળી ગયા હતા અને માત્ર લોખંડનું માળખું જ બાકી રહ્યું હતું. ટ્રકમાં ભરેલી રૂની ગાંસડીઓ સંપૂર્ણપણે બળીને કોલસો થઈ ગઈ હતી. 


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી, તે શોર્ટ સર્કિટ હતી કે અન્ય કોઈ કારણ, તે અંગેની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે આ ઘટના અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનના સત્તાવાર રેકોર્ડ પર કોઈ નોંધ કરવામાં આવી નથી.

Advertisement