સુરતના મોટા વરાછામાં વ્યાજખોરીનો આતંક! ઉઘરાણી માટે યુવકને ઓફિસમાં બોલાવી માર માર્યો, વીડિયો વાયરલ

સુરતના મોટા વરાછામાં વ્યાજખોરીનો આતંક! ઉઘરાણી માટે યુવકને ઓફિસમાં બોલાવી માર માર્યો, વીડિયો વાયરલ

સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીનું કથિત વરવું રૂપ સામે આવ્યું છે. વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી કરવા માટે એક યુવકને ઓફિસમાં બોલાવી તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉત્રાણ પોલીસ એક્શનમાં આવી છે.

મળતી માહિતી મુજબ, એક યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. સમયસર નાણાંની ચુકવણી ન થતાં વ્યાજની રકમને લઈને વિવાદ ઊભો થયો હતો. આ દરમિયાન હિસાબ કરવા માટે યુવકને મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો.

યુવક ઓફિસે પહોંચ્યા બાદ દરવાજો બંધ કરી તેને ઘેરી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ નાણાંની ઉઘરાણીના મુદ્દે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ યુવકને એક બાદ એક પાંચ તમાચા મારતો જોવા મળે છે. ઘટનાના કારણે યુવક ભયભીત થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વીડિયો સામે આવતા જ ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા મારપીટનો ભોગ બનેલા યુવકની પણ ઓળખ મેળવી તેની પાસેથી સમગ્ર ઘટનાની હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વ્યાજખોરો સામે લોકોમાં રોષ

ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો નાણાંની ઉઘરાણી માટે કોઈ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ મારપીટ કરે, તો આવી સ્થિતિમાં સામાન્ય નાગરિક ક્યાં ન્યાય માંગે?

સ્થાનિક સ્તરે વ્યાજખોરી અને ગેરકાયદેસર ઉઘરાણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.

આરોપીઓ સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ

ઉત્રાણ પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળની માહિતી એકત્રિત કરવાની સાથે વાયરલ થયેલા વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે મારપીટ કરનાર શખ્સોની ઓળખ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વ્યાજખોરીના નામે કાયદો હાથમાં લેનારા અથવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને વીડિયોમાં દેખાતા શખ્સો તથા ઘટનામાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.