સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની લાંબી રાહનો આખરે અંત આવ્યો છે…
અને ગણેશ વિસર્જનના દિવસે જ સુમુલ ડેરીના હોદ્દેદારોની વરણી સાથે ભાજપના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો પણ અંત આવ્યો હોવાની ચર્ચા છે.
સુરતની સુમુલ ડેરીના પ્રમુખ તરીકે ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને સોનગઢના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામીતની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.
સુમુલ ડેરીની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લાંબા સમયથી અટવાયેલી હતી. બે વખત બેઠક યોજાયા બાદ પણ હોદ્દેદારોની પસંદગી અંગે ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણને કારણે નિર્ણય થઈ શક્યો નહોતો. આખરે 17 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધી ચાલેલી આ મડાગાંઠનો અંત આવ્યો છે.
હવે વાત આવે છે આ વરણી પાછળના રાજકીય સમીકરણોની…
સુમુલ ડેરી સાથે જોડાયેલા લગભગ 78 ટકા પશુપાલકો આદિવાસી સમાજમાંથી આવે છે અને દક્ષિણ ગુજરાતમાં સુમુલનું સહકારી માળખું ખાસ મહત્વ ધરાવે છે. ત્યારે પૂર્વ મંત્રી અને આદિવાસી નેતા કાંતિભાઈ ગામીતને પ્રમુખ બનાવવામાં આવતા આદિવાસી સમાજ સુધી પહોંચ મજબૂત કરવાની રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે.
ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય સમીકરણો મહત્વના બની રહ્યા છે.
ગત 17 જુલાઈએ જાહેર થયેલી સુમુલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે, ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ખેંચતાણને કારણે બે વખત પ્રક્રિયા મુલતવી અથવા રદ કરવી પડી હતી.
આખરે હવે કાંતિભાઈ ગામીતને સુમુલ ડેરીની કમાન સોંપાઈ છે.
પરંતુ સુમુલની વાત માત્ર આજની રાજનીતિ સુધી સીમિત નથી…
આણંદના વેલાસણ ગામથી સુરત પહોંચેલા સુમુલના પ્રથમ ચેરમેન આશાભાઈ શંકરભાઈ પટેલે આ સંસ્થાનો પાયો નાખ્યો હતો.
22 ઓગસ્ટ 1951ના રોજ સુમુલ ડેરીનું રજિસ્ટ્રેશન થયું હતું. શરૂઆતમાં માત્ર 12 ભેંસ સાથે દૂધના વ્યવસાયની શરૂઆત થઈ હતી અને દૂધવાળા એસોસિએશન મારફતે શરૂઆતમાં માત્ર 24થી 40 લિટર દૂધનું સંગ્રહણ થતું હતું.
ત્યારબાદ છ મંડળીઓ કાર્યરત થતાં દૈનિક દૂધ સંપાદન 200 લિટર સુધી પહોંચ્યું હતું.
સંસ્થાના શરૂઆતના સમયમાં આર્થિક સ્થિતિ પણ સરળ નહોતી. પ્રથમ વર્ષનો નફો માત્ર 2,202 રૂપિયા, 12 આના અને 3 પાઈ રહ્યો હતો. તેમ છતાં આશાભાઈની દૂરંદેશીથી તે સમયે 26 વીઘા જમીન ખરીદવામાં આવી, જ્યાં પ્લાન્ટની મશીનરી અને પશુઓ માટે પોષક દાણની સુવિધા ઊભી કરવાનો વિચાર હતો.
એ સમયે ખાનગી વેપારીઓ ખેડૂતો પાસેથી એક મણ દૂધના માત્ર 2 રૂપિયા આપતા હતા, ત્યારે આશાભાઈએ પશુપાલકોને 3.50 રૂપિયા પ્રતિ મણ અપાવી ખેડૂતોના હિતમાં મહત્વનું પગલું ભર્યું હતું.
અને પછી આવી સુમુલની ઓળખ બદલનાર ઘડી…
3 ફેબ્રુઆરી 1968ના રોજ સ્વામી યોગીજી મહારાજે સંસ્થાને ‘સુમુલ’ નામ આપ્યું હતું, જેનો અર્થ થાય છે ‘સુ-યોગ્ય મૂલ્ય’.
નાનકડા દૂધ સંગ્રહથી શરૂ થયેલી આ સહકારી સંસ્થા આજે વિશાળ આર્થિક સામ્રાજ્ય બની છે.
એક સમયે લગભગ 4,045 કરોડ રૂપિયાનો વેપારી ઉઠલાવ ધરાવતી સુમુલ ડેરી આજે લગભગ 10 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.
પશુપાલકો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને સુમુલે દૂધ ઉત્પાદનથી લઈને વિવિધ દૂધ આધારિત ઉત્પાદનો સુધી પોતાની આગવી ઓળખ બનાવી છે.
હવે 25 સપ્ટેમ્બરે પ્રમુખ તરીકે કાંતિભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી બાદ સુમુલની નવી ટીમ સામે સહકારી સંસ્થાની આ વિશાળ જવાબદારી સંભાળવાનો પડકાર છે.