વડોદરાની સર સયાજીરાવ જનરલ એટલે કે SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેને પેક કરીને પરિવારજનોને સોંપવા માટે રૂપિયા 1500ની માંગણી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, બોડેલીના એક પરિવારના સભ્યનું મૃત્યુ થયા બાદ મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે વડોદરાની SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને પરિજનોને સોંપવાનો હતો. આ દરમિયાન મૃતદેહને બોડેલી લઈ જવા માટે પેકિંગ કરવાની પ્રક્રિયાના બદલામાં ત્યાં ફરજ બજાવતા એક કર્મચારીએ પરિવારજનો પાસેથી રૂપિયા 1500ની માંગણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સ્વજનના મૃત્યુના દુઃખ વચ્ચે પરિવારજનો પોતાના પાર્થિવ દેહને વહેલી તકે ઘરે લઈ જવા માગતા હોવાથી રૂપિયા 1500 ચૂકવ્યા હોવાનો પણ દાવો છે. સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો સામે આવ્યા બાદ મામલો SSG હોસ્પિટલના તંત્ર સુધી પહોંચ્યો હતો. હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વાયરલ વીડિયો SSG હોસ્પિટલનો જ છે. સાથે જ રૂપિયા લેવાનો આરોપ જેના પર લાગ્યો છે તે વ્યક્તિ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરતો કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરતા જગદીશ પરમાર નામના કર્મચારીને સસ્પેન્ડ કરીને હોસ્પિટલની સેવામાંથી છૂટો કરી દીધો છે. આ ઉપરાંત સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
આ તપાસ કમિટીની અધ્યક્ષતા RMO ડો. હિતેન્દ્ર ચૌહાણ કરશે. કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે. સાથે જ આ મામલામાં માત્ર એક જ કર્મચારીની સંડોવણી હતી કે પછી અન્ય કોઈ કર્મચારી અથવા અધિકારી પણ આ પ્રકરણમાં સામેલ છે કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવશે.
હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે દર્દીઓ અને તેમના સ્વજનો સાથે આ પ્રકારની ગેરવર્તણૂક અથવા ગેરકાયદેસર નાણાંની માંગણી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
હાલ વાયરલ વીડિયોને પગલે આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે અને હોસ્પિટલ તંત્રની તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે વધુ સ્પષ્ટ થશે.