સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ખાતે ‘વિકાસ સપ્તાહ ૨૦૨૬’ અંતર્ગત ‘નિર્માણ–૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને તેમને સ્ટાર્ટઅપ તથા ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નવા વિચારોને સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા, સ્ટાર્ટઅપની શરૂઆત અને નવીનતા આધારિત ઉદ્યોગોના વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોમાં સ્વરોજગારની ભાવના વિકસે અને તેઓ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે તેવા પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજન પી. પટેલે વિદ્યાર્થીઓને સંબોધતાં યુનિવર્સિટીમાં ઉપલબ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને સમાજમાં રહેલી વિવિધ સમસ્યાઓને ઓળખીને તેના નવીન અને અસરકારક ઉકેલો શોધવા તેમજ પોતાના વિચારોને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ સત્રો દ્વારા વિચારના પ્રારંભિક તબક્કાથી લઈને તેને વ્યવસાયમાં વિકસાવવા સુધીની બાબતો સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત, યુવા પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ૧૨ યુવા ઇનોવેટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ‘સ્વર્ગ રોહણ’ અને ‘રી-કેપ’ જેવા સફળ સ્ટાર્ટઅપના સ્થાપકોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરતી વખતે પડતી મુશ્કેલીઓ, નવી તકોની ઓળખ અને વ્યવસાયને સફળતા સુધી લઈ જવાના પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને સ્વરોજગાર પ્રત્યે જાગૃતિ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે એસપીએસઈસીના નિયામકો અને અન્ય સભ્યોએ સહયોગ આપ્યો હતો.