નવી દિલ્હી: સોનાની શુદ્ધતામાં થતી ભેળસેળ અને હોલમાર્કિંગના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકાર હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે નવા નિયમો લાવી રહી છે. આ પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાના ઘરેણાને એક 'યુનિક આઈડેન્ટિટી' આપવામાં આવશે, જે માત્ર તે જ ઘરેણા માટે રહેશે અને તેનો ઉપયોગ અન્ય કોઈ દાગીના માટે કરી શકાશે નહીં.
હાલમાં દેશના ૪૦૦ જિલ્લાઓમાં હોલમાર્ક યુનિક આઈડી (HUID) સિસ્ટમ અમલમાં છે. જોકે, સરકારને એવી અનેક ફરિયાદો મળી હતી કે કેટલાક ઝવેરીઓ એક જ HUID નંબરનો ઉપયોગ અલગ-અલગ ઘરેણાઓ માટે કરી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડીને કારણે ગ્રાહકોને જે શુદ્ધતાનું સોનું બતાવવામાં આવે છે, વાસ્તવમાં તેટલું શુદ્ધ હોતું નથી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર હવે દરેક ઘરેણાનો ફોટો, તેનું વજન અને તમામ માહિતી ઓનલાઇન પોર્ટલ પર નોંધવાની તૈયારી કરી રહી છે.
૨૫ જિલ્લાઓમાં સફળ પરીક્ષણ
નવી વ્યવસ્થાને દેશભરમાં લાગુ કરતા પહેલા સરકારે ૨૫ જિલ્લાઓમાં તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ નવી સિસ્ટમમાં ઘરેણાંની ઓળખ છુપાવવી કે બદલવી અશક્ય બની જશે, જેનાથી ગ્રાહકોને ૧૦૦% સાચી શુદ્ધતાવાળું સોનું મળવાની ગેરંટી મળશે.
સોનું ખરીદતી વખતે આ રીતે કરો શુદ્ધતાની તપાસ
સરકારે ગ્રાહકોને જાગૃત રહેવા માટે કેટલીક મહત્વની ટિપ્સ પણ આપી છે:
BIS હોલમાર્ક: હંમેશા બીઆઈએસ (BIS) નિશાન, શુદ્ધતા (જેમ કે 22K916) અને હોલમાર્કિંગ સેન્ટરનો કોડ ચેક કરો.
નાઇટ્રિક એસિડ ટેસ્ટ: સોનાની સપાટી પર થોડું નાઇટ્રિક એસિડ લગાવતા જો તેનો રંગ બદલાય તો સમજવું કે સોનું નકલી છે. સાચા સોનાનો રંગ બદલાતો નથી.
ચુંબક ટેસ્ટ (Magnet Test): સોનું ક્યારેય ચુંબક પ્રત્યે આકર્ષિત થતું નથી. જો સોનું ચુંબક સાથે ચોંટી જાય, તો તેમાં લોખંડ કે અન્ય ધાતુની ભેળસેળ હોઈ શકે છે.