સોજિત્રાના એક ગામમાં 16 વર્ષીય સગીરાને લઈને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ગામના ચાર શખ્સોએ સગીરાને જોઈ અશ્લીલ ટિપ્પણીઓ કરી, સીટી મારી અને ગંદા ઈશારા કર્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ ઘરે જઈ પરિવારજનોને જાણ કરી હતી, જેના પગલે પરિવારજનોએ આ વર્તન અંગે પ્રશ્ન ઉઠાવવા શખ્સોના ઘરે પહોંચ્યા હતા.
પરંતુ ત્યાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી. આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારવા બદલે ઉલટા સગીરાના પિતાને જ હુમલો કરી માર માર્યો હતો. સાથે જ સગીરાની સામે ફરી શારીરિક છેડછાડ કરવામાં આવી, જેના કારણે તે ખૂબ ભયભીત થઈ ગઈ હતી અને સમગ્ર પરિવાર દહેશતમાં આવી ગયો હતો.
આ ગંભીર મામલે સોજિત્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ચારેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે આગળની તપાસ ચાલુ છે.