દેશમાં સ્કૂલોની આસપાસ બાળકોને મળતા વધુ મીઠું, ખાંડ અને ફેટવાળા ખાદ્ય પદાર્થોને લઈને નિયમોમાં સ્પષ્ટતા થવાની તૈયારી છે. વર્ષ 2020થી સ્કૂલ અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં આવા ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ કયા-કયા ઉત્પાદનોને આ નિયમ હેઠળ ગણવા તે અંગે અત્યાર સુધી સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવ્યા નહોતા.
આ ગૂંચવણ દૂર કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIએ નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. નવા માળખા હેઠળ કોઈ ખાદ્ય પદાર્થમાં મીઠું, ખાંડ અને ફેટનું પ્રમાણ કેટલું છે તેના આધારે તે સ્કૂલની આસપાસ વેચવા યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
હાલના નિયમો હેઠળ સ્કૂલની કેન્ટીન, મેસ, હોસ્ટેલ તેમજ સ્કૂલના ગેટથી 50 મીટરની અંદર આવા ખાદ્ય પદાર્થોના વેચાણ પર નિયંત્રણ છે. આ ઉપરાંત બાળકોને આકર્ષે તેવી જાહેરાતો પર પણ પ્રતિબંધની જોગવાઈ છે.
જોકે, હાલમાં ચિપ્સ, બિસ્કિટ, નમકીન કે કોલ્ડ ડ્રિંક જેવા દરેક ઉત્પાદનોને સીધા જ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા નથી. કયા ઉત્પાદનને નિયમ હેઠળ સામેલ કરવું તે પેકેટ પર દર્શાવેલા પોષક તત્ત્વોના પ્રમાણના આધારે નક્કી કરવામાં આવશે.
હેલ્ધી મેન્યૂની યાદી હજુ તૈયાર નથી
FSSAIના નવા ડ્રાફ્ટ બાદ પણ સ્કૂલો માટે કયા ખોરાકને ફરજિયાત રીતે હેલ્ધી મેન્યૂમાં સામેલ કરવો તેની કોઈ અંતિમ યાદી તૈયાર કરવામાં આવી નથી.
પોષણ સંબંધિત ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ મળ્યા બાદ જ એ સ્પષ્ટ થશે કે મીઠું, ખાંડ અથવા ફેટનું કેટલું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થોને સ્કૂલની આસપાસ વેચાણ માટે અયોગ્ય ગણવામાં આવશે.
એટલે હાલ કોઈ ચોક્કસ જંક ફૂડની અંતિમ યાદી જાહેર કરવામાં આવી નથી.
નિયમો નક્કી થયા બાદ સ્કૂલ સ્ટાફને તાલીમ
નવા માપદંડ અને પ્રતિબંધિત ઉત્પાદનોની યાદી નક્કી થયા બાદ સ્કૂલના કર્મચારીઓને પણ આ અંગે જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આથી સ્કૂલ મેનેજમેન્ટ અને સ્ટાફને કયા ઉત્પાદનો વેચી શકાય અને કયા ઉત્પાદનો અંગે નિયંત્રણ રહેશે તેની સ્પષ્ટ માહિતી મળી શકશે.
'ઈટ રાઈટ સ્કૂલ' કાર્યક્રમ હજુ વૈકલ્પિક
FSSAIનો 'ઈટ રાઈટ સ્કૂલ' કાર્યક્રમ હાલમાં તમામ સ્કૂલો માટે ફરજિયાત નથી. સ્કૂલો પોતાની ઇચ્છા મુજબ આ પહેલ સાથે જોડાઈ શકે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્વસ્થ ખોરાક અને યોગ્ય પોષણ અંગે જાગૃતિ વધારવાનો છે.
નિયમોના અમલની જવાબદારી રાજ્યોની
સ્કૂલ અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી રાજ્યોના ખાદ્ય સુરક્ષા વિભાગોની રહેશે.
રાજ્ય સ્તરે અધિકારીઓ દ્વારા નિયમોનું નિરીક્ષણ અને અમલ કરાવવામાં આવશે.
નિયમ ક્યારથી સંપૂર્ણપણે લાગુ થશે?
હાલમાં આ સમગ્ર પ્રક્રિયા ડ્રાફ્ટના તબક્કામાં છે. નવા પોષણ માપદંડોને અંતિમ સ્વરૂપ મળ્યા બાદ જ પ્રતિબંધ હેઠળ આવતા ખાદ્ય ઉત્પાદનો અંગે સ્પષ્ટતા થશે.
મહત્વનું એ છે કે નવા નિયમો સંપૂર્ણપણે ક્યારે અમલમાં આવશે તેની ચોક્કસ સમયમર્યાદા હાલમાં નક્કી કરવામાં આવી નથી.
અર્થાત્, આગામી સમયમાં બાળકોને સ્કૂલની આસપાસ મળતા ચિપ્સ, બિસ્કિટ, નમકીન, કોલ્ડ ડ્રિંક સહિતના પેકેટ ફૂડને લઈને નિર્ણય માત્ર તેના નામ કે પ્રકારના આધારે નહીં, પરંતુ તેમાં રહેલા મીઠું, ખાંડ અને ફેટના પોષક પ્રમાણના આધારે લેવામાં આવે તેવી શક્યતા છે.