Advertisement

શ્વાસ લીધા વગર પણ જીવી શકાશે! અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધ્યું ઓક્સિજન આપતું સ્પેશિયલ ઇન્જેક્શન

શ્વાસ લીધા વગર પણ જીવી શકાશે! અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધ્યું ઓક્સિજન આપતું સ્પેશિયલ ઇન્જેક્શન

બોસ્ટન: મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં એક એવી શોધ થઈ છે જે સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે છે, પરંતુ હવે તે હકીકત બનવા જઈ રહી છે. અમેરિકાની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વૈજ્ઞાનિકોએ એક એવું ઓક્સિજન ઇન્જેક્શન તૈયાર કર્યું છે, જે ફેફસાં કામ કરતાં બંધ થઈ જાય તો પણ લોહીમાં સીધો ઓક્સિજન પહોંચાડી શકે છે. આ ઇન્જેક્શનમાં રહેલા 'માઇક્રોબબલ્સ' (ઝીણા પરપોટા) લોહીમાં ભળીને 15 થી 30 મિનિટ સુધી શરીરના કોષોને જીવંત રાખે છે. આ ટેક્નિક ખાસ કરીને એવા દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ શકે છે જેઓ ડૂબી જવાથી, અસ્થમાના હુમલાથી કે ગંભીર ઈજાને કારણે શ્વાસ લઈ શકતા નથી.


આ નવી ટેક્નિકમાં ઓક્સિજન ગેસને ફેટ (લિપિડ) ના લેયરવાળા અત્યંત નાના બબલ્સમાં કેદ કરવામાં આવ્યો છે. જ્યારે આ લિક્વિડ ફોર્મને ઇન્જેક્શન દ્વારા નસમાં આપવામાં આવે છે, ત્યારે તે લોહીમાં ફરીને ફેફસાંનો ઉપયોગ કર્યા વગર સીધો ઓક્સિજન રિલીઝ કરે છે. વર્ષ 2012 થી ચાલી રહેલી આ સ્ટડીમાં તાજેતરમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ હવે આ માઇક્રોબબલ્સ પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને ઝડપી છે. ડુક્કર (સ્વાઈન) પર કરવામાં આવેલા ટેસ્ટમાં જોવા મળ્યું છે કે આનાથી બ્રેઈન ડેમેજ થવાનું જોખમ પણ ઘટી જાય છે.

જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ શોધ શ્વાસ વગર કાયમ જીવવા માટે નથી, પરંતુ કટોકટીના સમયે ડોક્ટરોને દર્દીનો જીવ બચાવવા માટે વધારાની 15-30 મિનિટ આપવા માટે છે. હાલમાં આ ટેક્નિક 'પ્રી-ક્લિનિકલ' સ્ટેજ પર છે અને હ્યુમન ટ્રાયલ (મનુષ્યો પર પરીક્ષણ) હજુ બાકી છે. ભવિષ્યમાં આ ઇન્જેક્શન એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને યુદ્ધના મેદાનમાં લાખો લોકોના જીવ બચાવી શકે છે. જોકે, બ્લડ ક્લોટિંગ જેવી સંભવિત આડઅસરો પર અત્યારે વધુ સંશોધન ચાલી રહ્યું છે.

Advertisement