Advertisement

શું યુદ્ધનો આવશે અંત? ટ્રમ્પના સવારના રાષ્ટ્રજોગ સંબોધન પર આખી દુનિયાની નજર

શું યુદ્ધનો આવશે અંત? ટ્રમ્પના સવારના રાષ્ટ્રજોગ સંબોધન પર આખી દુનિયાની નજર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બીજી તરફ ઈરાન પણ હવે યુદ્ધ વિરામ માટે તૈયાર હોવાના સંકેતો મળી રહ્યા છે. આ બધી જ અટકળો વચ્ચે આવતીકાલે સવારે ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે, જેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.


ગુરુવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું સંબોધન

વ્હાઇટ હાઉસના સત્તાવાર નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે 9 વાગ્યે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 કલાકે) દેશને સંબોધિત કરશે. એવું માનવામાં આવે છે કે આ સંબોધનમાં ટ્રમ્પ ઈરાનમાંથી અમેરિકી સેનાની વાપસી અને યુદ્ધ સમાપ્તિ અંગે કોઈ ઐતિહાસિક જાહેરાત કરી શકે છે.


ઈરાન પર સતત પ્રહારો: અંડરગ્રાઉન્ડ બેઝ અને સ્ટીલ પ્લાન્ટ પર હુમલા

એક તરફ યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ હુમલાઓનો દોર પણ ચાલુ છે:


અંડરગ્રાઉન્ડ મથકો પર બોમ્બમારો: અમેરિકન સેનાએ ઈરાનની સરહદમાં આવેલા ગુપ્ત અંડરગ્રાઉન્ડ સૈન્ય મથકો પર અત્યાધુનિક 'પ્રિસિઝન મ્યુનિશન' (સચોટ નિશાન લગાવતા હથિયારો) વડે હુમલો કર્યો છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય તાકાતની કમર તોડવાનો છે.


સ્ટીલ પ્લાન્ટ નિશાના પર: ઈરાનના સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર મનાતા ઈસ્ફહાનના મુબારકે સ્ટીલ પ્લાન્ટ પર એક જ અઠવાડિયામાં બીજી વાર હુમલો કરવામાં આવ્યો છે.


અમેરિકન બેઝ પર હુમલો: સામે પક્ષે ઈરાન સમર્થિત જૂથો દ્વારા બગદાદમાં આવેલા અમેરિકાના 'વિક્ટોરિયા બેઝ' પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે.


મોજતબા ખામેનેઈ ક્યાં છે? સસ્પેન્સ યથાવત

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના ઠેકાણા અંગે હજુ પણ મોટું સસ્પેન્સ અકબંધ છે. રશિયન રાજદૂતના જણાવ્યા મુજબ તેઓ ઈરાનમાં જ છે પરંતુ સુરક્ષા કારણોસર જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે. જોકે, અમેરિકન ગુપ્તચર સંસ્થાઓનો દાવો છે કે તાજેતરના હુમલાઓમાં ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમના ચહેરા પર ભારે ઈજાઓ પહોંચી છે.


વૈશ્વિક પ્રતિક્રિયાઓ અને અન્ય દેશોનું વલણ


સીરિયા: સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમના દેશ પર સીધો હુમલો નહીં થાય ત્યાં સુધી તેઓ આ જંગથી અંતર જાળવી રાખશે અને યુદ્ધમાં કૂદશે નહીં.


ઈઝરાયેલની નવી રણનીતિ: વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે ઈરાનના ખતરાને કાયમી ધોરણે પહોંચી વળવા ઈઝરાયેલ અન્ય દેશો સાથે મળીને નવું સુરક્ષા ગઠબંધન બનાવી રહ્યું છે. જોકે તેમણે આ સહયોગી દેશોના નામ ગુપ્ત રાખ્યા છે.


કતાર અને સાઉદી અરેબિયા: કતારે યુદ્ધને વધુ ભડકાવવાનો વિરોધ કરી પોતાની સંપ્રભુતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજી તરફ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલી અમેરિકન એમ્બેસી પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને વિસ્તાર છોડવા માટે સતત એલર્ટ અને અપડેટ્સ આપી રહી છે.


વ્હાઇટ હાઉસના 'બોલરૂમ' વિવાદમાં ટ્રમ્પનો વળતો પ્રહાર

યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકામાં આંતરિક રાજકારણ પણ ગરમાયેલું છે. વ્હાઇટ હાઉસમાં નવા બોલરૂમના નિર્માણ પર ફેડરલ જજે લગાવેલી રોકને ટ્રમ્પે ફગાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ માટે સામાન્ય જનતાના ટેક્સના નાણાં નહીં, પરંતુ ખાનગી દાનનો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી આમાં કોંગ્રેસની મંજૂરી લેવાની કોઈ જ જરૂર નથી.

Advertisement