આણંદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આણંદ જિલ્લા ભાજપમાં મોટા સમાચાર સામે આવ્યા છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા ૪ સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેતા તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તાત્કાલિક અસરથી બરતરફી: આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ દ્વારા પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આ સભ્યોને ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
કોની સામે લેવાયા પગલાં? સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે:
ધનેશભાઈ શનાભાઈ વાલ્મિકી: ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચા (રતનપુરા તા.પં. સીટ પર AAP માંથી ઉમેદવારી).
ભરતભાઈ પ્રભાતભાઈ રબારી: જિલ્લા બક્ષીપંચ મોરચા મંત્રી (સોજીત્રા વોર્ડ નં. ૨ માં કોંગ્રેસમાંથી ઉમેદવારી).
કનૈયાલાલ નવીનચંદ્ર શાહ: પૂર્વ પ્રમુખ, ઉમરેઠ નગરપાલિકા (વોર્ડ નં. ૪ માં અપક્ષ ઉમેદવારી).
કલ્પેશકુમાર કાન્તીભાઈ પટેલ: પૂર્વ ઉપપ્રમુખ, આણંદ તાલુકા પંચાયત (કરમસદ-આણંદ વોર્ડ નં. ૧૧ માં અપક્ષ ઉમેદવારી).
ચૂંટણી પહેલા કડક સંદેશ: એપ્રિલ-૨૦૨૬ માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ વખતે પક્ષમાં કોઈ પણ પ્રકારની શિસ્તહીનતા ચલાવી લેવામાં આવશે નહીં, તેવો સ્પષ્ટ સંકેત જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે.